નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો છે. હવે ચૂંટણી પંચે એસબીઆઈ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત પોતાની જાણકારી વેબસાઈટ પર અપલોડ પણ કરતા ખળભળાટ મચી ગયો છે.
ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા ઈલેક્ટોરલ બોન્ડનો જે ડેટા 12મી માર્ચે સોપ્યો હતો. ચૂંટણી પંચે પંદરમી માર્ચની ડેડલાઈન પૂર્વે આજે જાહેર કરી દીધો હતો.
ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર જે ડેટા શેર કર્યો છે, તેમાં 12 એપ્રિલ 2019 પછી 1,000 રુપિયાથી એક કરોડ રુપિયા સુધીના ચૂંટણી બોન્ડ (આ બોન્ડ હવે પૂરા થઈ ગયા છે)ની ખરીદીની જાણકારી આપી છે, જેમાં કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા કરવામાં ખરીદી બતાવી છે. ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરતા સુપ્રીમ કોર્ટના આદેશ પાલન કરતા એસબીઆઈએ એ સંસ્થાઓની પણ વિગત આપી હતી, જેમણે પૂરા થયેલા ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.
ચૂંટણી પંચવતીથી જાહેર કરવામાં આવેલા ચૂંટણીના બોન્ડના માધ્યમથી ચૂંટણીનું ભંડોળ પ્રાપ્ત કરનારી પાર્ટીમાં ભાજપ, કોંગ્રેસ, અન્નાદ્રમુક, બીઆરએસ, શિવસેના, ટીડીપી, વાઈએસઆર સહિત અન્ય પાર્ટીનો સમાવેશ થાય છે.
ચૂંટણીના બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપનારી કંપનીની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેધા એન્જિનિયરિંગ, પીરામલ એન્ટરપ્રાઈઝ, ટોરન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કમશિર્યલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા અને અન્યનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે ચૂંટણીના બોન્ડને લઈ એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) તરફથી ઉપલબ્ધ ડેટાની સમય મર્યદાના એક દિવસ પહેલા એટલે આજે રાતના પોતાની વેબસાઈટ પર ડેટા અપલોડ કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે પંદરમી માર્ચના સાંજના પાંચ વાગ્યા પહેલા વિગતવાર ડેટા પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો. બીજી બાજુ એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા બારમી માર્ચે ચૂંટણી પંચને ચૂંટણીના બોન્ડ સંબંધિત ડેટા આપવાની જાહેરાત કરી હતી.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજીની ફગાવી દીધી હતી, જેમાં વિગતવાર બોન્ડને જાહેર કરવા 30 જૂન સુધીની મુદત આપી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડીવાય ચંદ્રચુડની વડપણ હેઠળની બેન્ચે બેંકની અરજીને ફગાવી હતી.
Taboola Feed