નેશનલ
ચૂંટણી પંચે કેજરીવાલને લગતી પોસ્ટ મુદ્દે દિલ્હી ભાજપને ફટકારી નોટિસ

નવી દિલ્હી: ચૂંટણી આયોગે આમ આદમી પાર્ટી નેતા તેમજ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને અનુલક્ષીને કરવામાં આવેલી એક પોસ્ટ પર ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને નોટિસ ફટકારી છે.
ચૂંટણી પંચે ભાજપે 23 નવેમ્બર સુધીમાં કારણદર્શક નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષને ફટકારવામાં આવી છે પરંતુ તેમાં સચદેવાનું નામ નથી.
આ નોટિસમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ તેમના પ્રતિસ્પર્ધીઓના અંગત જીવન પર ટીકાટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. તેમના પરના જે આરોપોમાં તથ્ય ન હોય તેના પર આધારિત ટીકાઓ ટાળવી જોઈએ.
કમિશને કહ્યું હતું કે એક રાષ્ટ્રીય પક્ષ હોવાને કારણે ભાજપ પાસેથી અપેક્ષિત છે કે જાહેરમાં આવી વિવાદાસ્પદ સામગ્રીઓ પ્રકાશિત અને પ્રસારિત કરતા પહેલા તથ્યોની ચકાસણી કરવામાં સાવચેતી રાખે.