કોરોના પછી ભારતમાં બદલાયું જન્મ-મૃત્યુનુ ગણિતઃ વાંચો વિશેષ અહેવાલ

મુંબઈ: ભારત હાલ દુનિયાનો સાથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, એક અંદાજ મુજબ ભારતમાં 140 કરોડથી વધુ લોકો વસે છે. છેલ્લા ઘણા દસકાઓથી વસ્તી વિસ્ફોટ એ દેશ માટે સૌથી મોટી સમસ્યા રહી છે. પરંતુ હાલમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ કોરોનાકાળ પછી ભારતમાં મોટા ડેમોગ્રાફિક ફેરફાર જોવા મળી રહ્યા છે. અહેવાલ મુજબ કોવિડ બાદ ભારતમાં જન્મની સામે નોંધાયા મૃત્યુનો ગુણોતર ઉંચો નોંધાયો છે. મતલબ કે દેશમાં વસ્તી વધારો ધીમો પડી રહ્યો છે, જેની અસર લાંબા ગાળે જોવા મળી શકે છે.
એક અહેવાલ મુજબ કોવિડ-19 પેનડેમિકને કારણે મૃત્યુઆંક સામાન્ય કરતાં વધુ હશે તેવી અપેક્ષા હતી અને એમ જ બન્યું. પરંતુ, પેનડેમિક સમાપ્ત થયા બાદ પણ વર્ષ 2022માં જન્મની સામે નોંધાતા મૃત્યુનું પ્રમાણ પેનડેમિક પહેલાના સમય કરતા વધુ રહ્યું. ભારતના લગભગ દરેક રાજ્યમાં જન્મની સામે નોંધાયેલા મૃત્યુનો ગુણોત્તર (Death to Birth ration) 2019માં નોંધાયેલા સ્તર પર પરત ફર્યો નથી. મોટાભાગના રાજ્યોમાં જન્મ સામે નોંધતા મૃત્યુનો ગુણોત્તર 2020 કરતા પણ વધારે છે, જે સૂચવે છે કે આ કોવિડને કારણે થયેલો કામચલાઉ ફેરફાર નથી, પણ લાંબા ગાળાનો ડેમોગ્રાફિક ફેરફાર છે.
આ રાજ્યોમાં વસ્તી વધારો ધીમો પડ્યો:
જો આપણે ગોવાનું ઉદાહરણ લઈએ તો, ગોવામાં વર્ષ 2022 માં જન્મની સામે નોંધાયેલા મૃત્યુનો ગુણોતર 87% હતો, એટલે કે દર 100 જન્મ અમે 87 મૃત્યુ થયા હતા, આ આંકડો 2019 માં 70% હતો અને આ આંકડાઓ 2020 કરતા પણ વધુ હતો.
તમિલનાડુમાં સમાન ટ્રેન્ડ જોવા મળ્યો છે, 2022 માં આ ગુણોત્તર 74% હતો, જે 2020માં નોંધાયેલા ગુણોતર સમાન હતો, પરંતુ કોવિડ પહેલાના 67% કરતા ઘણો વધારે હતો. વર્ષ 2022માં કેરળમાં આ ગુણોત્તર પણ 74% પર રહ્યો છે, જે 2019 માં 56% હતો. સિક્કિમ, જ્યાં તમામ ભારતીય રાજ્યોમાં સૌથી ઓછો પ્રજનન દર છે, ત્યાં 2022 માં 61% નો ગુણોત્તર જોવા મળ્યો, જે કોવિડ પહેલાના વર્ષ 2019 કરતા વધારે છે.
ચંદીગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2021માં આ ગુણોતરમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, ત્યાં પણ આ ગુણોતર કોવિડ પહેલાના સ્તરે પરત ફર્યો નથી. આંદામાન અને નિકોબાર ટાપુઓએ 2022 માં આ ગુણોત્તર 69% નોંધાયો હતો, જે 2019 માં 58% હતો.
ઘણા પ્રદેશોમાં, ખાસ કરીને દક્ષિણ અને દરિયાકાંઠાના ભારતમાં નોંધાયેલો ઉંચો ગુણોત્તર વૃદ્ધ થઇ રહેલી વસ્તી, ઘટી રહેલા જન્મ દર, અને કોવિડ-સંબંધિત મૃત્યુદર તરફ ઈશારો કરે છે.
રાજ્યોમાં ગુણોતર સમાન રહ્યો:
દરમિયાન, બિહાર, યુપી અને ઝારખંડ જેવા નાના બાળકોની વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં જન્મ સામે નોંધાતા મૃત્યુનો દર ઘણો ઓછો રહ્યો. યુપી અને ઝારખંડમાં આ ગુણોતર 30% થી ઓછો રહ્યો, બિહારના કિસ્સામાં આ ગુણોતર 15% જેટલો ઓછો રહ્યો. યુપી અને ઝારખંડ જેવા રાજ્યોમાં વર્ષ 2021 માં નોંધપાત્ર ઉછાળો થયો હતો અને 2022 માં થોડો ઘટાડો નોંધાયો હતો.
શું જન્મથી મૃત્યુના ઊંચા પ્રમાણનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે?
આગામી બે વર્ષનો ડેટા એ સમજવા માટે મહત્વપૂર્ણ રહેશે કે શું ભારત ખરેખર ડેમોગ્રાફિક ફેરફાર થઇ રહ્યો છે કે આ માત્ર ટૂંકા ગાળાનો ટ્રેન્ડ છે. પરંતુ હાલમાં નોંધાયેલા આંકડા સ્પષ્ટ સંકેતો આપે છે કે વસ્તી વૃદ્ધિ દર ધીમો પડી રહ્યો છે.