સસરાની હત્યા બાદ સૌથી વધુ રડનારી વહુ જ નીકળી હત્યારી! શંકા જતાં થયો ચોંકાવનારો ખુલાસો

ચંદીગઢ: આજકાલ સંબધોનું મહત્વ માત્ર સ્વાર્થ પૂરતું જ રહેવા પામ્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. આ વાતને ટેકો આપી શકે તેવા અનેક દાખલાઓ આપણી સામે છે. ક્યાંક પત્ની જ પતિની હત્યા કરી રહી છે, ક્યાંક માવતર જ સંતાન માટે કાળ બની રહ્યા છે. જો કે આવી જ એક ઘટના હરિયાણામાંથી સામે આવી હતી કે જેમાં એક વહુએ જ પોતાના પિતાતુલ્ય સસરાને પ્રેમીના હાથે મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે કોઈને પણ શંકા ન જાય તેવા બનાવનો પોલીસે પાંચ દિવસમાં ભેદ ઉકેલી નાખ્યો હતો.
હત્યા બાદ સૌથી વધુ રડતી હતી વહુ
મળતી વિગતો અનુસાર હરિયાણાના યમુનાનગરમાં પાંચેક દિવસ પહેલા ઓમપ્રકાશ નામના એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. સસરાની હત્યા બાદ આરોપી પુત્રવધૂ જ બૂમો પાડીને પાડીને ન્યાયની વિનંતી કરી રહી હતી. પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી હત્યારા પકડાય નહીં ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં, કારણ કે 25 દિવસમાં તેમના પરિવારમાં આ બીજી હત્યા હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે આ હત્યા બીજા કોઈએ નહીં પણ પુત્રવધૂએ કરાવી છે એ જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો.
પોલીસના ખુલાસાથી પરિવારજનો પણ ચોંકી ઉઠયા
20 દિવસ પહેલા મૃતક ઓમ પ્રકાશના પૌત્રનો મૃતદેહ પણ પશ્ચિમી યમુના નહેરમાંથી તરતો મળી આવ્યો હતો. આ મામલે પણ પોલીસને પુત્રવધૂ પર શંકા છે. હવે આ હત્યા વિશે પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે હત્યાની આરોપી પુત્રવધૂ પોલીસ પર આરોપ લગાવી રહી હતી કે તેમની મિલીભગતને કારણે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે પોલીસે કોઈક રીતે પરિવારના સભ્યોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. પરંતુ જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઓમપ્રકાશની હત્યા પાછળ તેની પુત્રવધૂ લલિતાનો હાથ હતો. તેણે તેના પ્રેમી કરતાર સાથે મળીને તેના સસરાનું ગળું કાપીને હત્યા કરી હતી.
શા માટે કરાવી સસરાની હત્યા?
સસરાની હત્યા પાછળનું કારણ પુત્રવધૂના ગેરકાયદે સંબંધોનું સત્ય બહાર આવવાનું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ઓમ પ્રકાશને કરતાર સાથેના તેના સંબંધોની જાણ થઈ ગઈ હતી. લલિતા ઇચ્છતી ન હતી કે આ વાત કોઈ બીજાને ખબર પડે. આ કારણે જ તેણે સસરાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેણે પહેલા સસરાને વાડામાં સૂવા મોકલ્યા અને ત્યાં જ તેમનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસ હવે 20 દિવસ પહેલા પરિવારમાં થયેલી હત્યામાં પણ લલિતાની ભૂમિકાની તપાસ કરી રહી છે. પોલીસ હવે લલિતાને કોર્ટમાંથી રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરશે.
આપણ વાંચો: પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદર પર અમેરિકાની કાતર: શું ભારતને મોટો ફટકો?