મુખ્તાર અંસારીના પુત્ર ઉમરની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી
લખનઊઃ માફિયા ડોન મુખ્તાર અંસારીના નાના પુત્ર ઉમર અંસારીને અલાહાબાદ હાઈ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે ઉમર અંસારીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. દલીલો પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 30 નવેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
હાઈ કોર્ટે ચુકાદો ન આવે ત્યાં સુધી ઉમર અંસારીની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ હવે પોલીસ ઉમર અંસારીની ધરપકડ કરી શકશે.
આ પહેલા 3 નવેમ્બરે હાઈ કોર્ટે ઉમર અન્સારીના વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. ઉમર અંસારીના એડવોકેટ ઉપેન્દ્ર કુમાર ઉપાધ્યાય દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી દલીલોને કોર્ટે સ્વીકારી ન હતી. અરજદારના એડવોકેટે દલીલ કરી હતી કે આ કેસ રાજકીય કારણોસર દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસ મઉમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનો આપવા સંબંધિત છે. મંચ પરથી તેમણે ચૂંટણી બાદ વહીવટીતંત્રને ઠીક કરવાની ધમકી આપી હતી. ધમકી અંગે મઉ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં ઉમર અંસારી હજુ ફરાર છે. આ કેસમાં મોટા ભાઈ વિધાનસભ્ય અબ્બાસ અંસારીને જામીન મળી ગયા છે. પ્રથમ આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ આ બીજી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ઉમર અંસારી પાસે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ છે.