ગોવામાં વૃદ્ધ વેપારીની હત્યા બાદ લૂંટ ચલાવીને તેની કાર લઇ ભાગેલા યુગલને નવી પોલીસે પકડી પાડ્યું

મુંબઈ: ગોવામાં 77 વર્ષના વૃદ્ધ વેપારીની હત્યા કર્યા બાદ તેના શરીર પરના દાગીના લૂંટીને તેની કાર લઇને ભાગેલા યુગલને નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. ભોપાલમાં રહેતા યુગલ પાસેથી રૂ. 47.82 લાખની મતા જપ્ત કરવામાં આવી હોઇ બંનેને વધુ તપાસ માટે ગોવા પોલીસને હવાલે કરવામાં આવ્યાં હતાં.
નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના સિનિયર ઇન્સ્પેક્ટર આબાસાહેબ પાટીલને માહિતી મળી હતી કે ગોવાથી ચોરાયેલી ફોર્ચ્યુનર કાર મુંબઈ તરફ આવી રહી હોઇ હાલ તે નાગોઠણે માર્ગે ખોપોલી-પેણ તરફ જઇ રહી છે. આ માહિતીને પગલે પોલીસ ટીમે રાયગડની પાલી પોલીસની મદદથી છટકું ગોઠવી નંબરપ્લેટ વગરની કારને આંતરી હતી. કારમાં યુગલ હાજર હતું તેને બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવવામાં આવ્યું હતું.
યુગલની ઓળખ જિતેન્દ્ર સાહુ (32) અને નીતુ (22) તરીકે થઇ હોઇ પૂછપરછમાં તેમણે મિત્ર કુણાલ સાથે મળી ગોવામાં નિમ્સ બાદલ ધિલોન નામના વેપારીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બંનેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વેપારીએ તેમને ગોવા ખાતે વિલામાં રહેવા માટે બોલાવ્યાં હતાં. આથી તેઓ 3 ફેબ્રુઆરીએ મિત્ર કુણાલ સાથે ભોપાલથી રવાના થઇને ગોવા પહોંચ્યાં હતાં. તેમને વિલા ખાતે લાવવા માટે વેપારીએ ફોર્ચ્યુનર કાર મોકલી હતી.
વિલામાં રાતના વેપારીએ યુવતી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો અને તેમણે વેપારીની હત્યા કરી હતી. બાદમાં વેપારીના શરીર પરના દાગીના લૂંટી તેઓ તેની કાર લઇને ફરાર થઇ ગયા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ગોવા પોલીસનો સંપર્ક સાધતાં પોરવોરીમ પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ હોવાનું જાણવા મળ્યું હતું.