“આતંકવાદ સામે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી..” જાણો આ કોણે કહ્યું?
“આતંકવાદ સામે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી..” આ શબ્દો છે વિદેશપ્રધાન એસ જયશંકરના. પત્રકારોને સંબોધન કરતી વખતે વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો તેની સાથે જ આતંકવાદ શરૂ થઇ ગયો હતો. જ્યારે પાકિસ્તાન આપણાથી અલગ પડ્યું ત્યારથી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવાની શરૂ થઇ ગઇ હતી. હુમલાખોરો પાકિસ્તાનથી આવ્યા હતા. આટલા લાંબા સમયથી જો આપણે આ સમસ્યા સામે લડી રહ્યા હોઇએ તો આ અંગેની સ્પષ્ટતા હોવી જોઇએ, તેવું વિદેશપ્રધાને જણાવ્યું હતું.
આજે દેશમાં ઘણું બદલાઇ ગયું છે, 26-11 એક ટર્નિંગ પોઇન્ટ હતો. તેના ક્રૂર સત્ય અને ખતરનાક પ્રભાવને જોઇને ઘણા લોકોની ભ્રમણા ભાંગી છે. જો કોઇ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ કરવો એ નીતિ હવે કામ નહિ કરે. ઉલટાનો આપણે એનો જવાબ આપવો પડે, કારણકે અમુક લોકો કહે છે કે થપ્પડ લાગે ત્યારે ‘બીજો ગાલ આગળ ધરવાની’ નીતિ ખૂબ શાનદાર હતી. જો કે ન તો હવે દેશનો એવો મૂડ રહ્યો છે, ન તો એવો મિજાજ રહ્યો છે.
‘બીજો ગાલ આગળ ધરવાની’ નીતિમાં કોઇ અર્થ નથી રહ્યો, જો કોઇ સરહદ પર આતંકવાદ કરી રહ્યું હોય તો આપણે તેનો જવાબ આપવો પડે, તેમને કિંમત ભરપાઇ કરવા કહેવું પડે, વિદેશપ્રધાનની આ ટિપ્પણી જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ગઇકાલે સેનાના જવાનો પર થયેલા હુમલાના વિરોધમાં આવી છે. ગુરૂવારે સેનાના વાહનો પર એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 4 જવાનો શહીદ થયા છે. 3થી 4 જેટલા સશસ્ત્ર આતંકવાદીઓએ એક મારૂતિ જિપ્સી અને સેનાના એક ટ્રકને નિશાન બનાવ્યું હતું. હુમલા બાદ આતંકવાદીઓએ જવાનોના શસ્ત્રો છીનવી લીધા હતા. આ ઘટના પાછળ પાકિસ્તાનનું ષડયંત્ર હોવાની અટકળો છે.