કાંગ્રેસ સરકારે ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવતા જ ભાજપે યાદ કરાવ્યા નિયમો કહ્યું કે…
તેલંગાણા: તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા નવ ડિસેમ્બરના રોજ વિધાનસભા સત્ર બોલાવ્યું હતું તે સમયે એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણામાં ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો છે.
ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ સરકારે અકબરુદ્દીન ઓવૈસીને આ પદ માટે નામાંકિત કર્યા છે કારણ કે તેમનો AIMIM સાથે સારો સંબંધ છે. આ ઉપરાંત ભાજપે એવી પણ વિનંતી કરી હતી કે જ્યાં સુધી પ્રોટેમ સ્પીકરને સ્પીકર તરીકે નોમિનેટ કરવામાં ન આવે ત્યાં સુધી નવી રચાયેલી વિધાનસભા માટે નવા પૂર્ણ-સમયના અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયાને રોકવી જોઇએ. ભાજપે રાજ્યપાલને પત્ર લખીને ખાસ એ બાબતને ઉલ્લેખ કર્યો હતો કે કોંગ્રેસ સરકારની નવી ચૂંટાયેલી વિધાનસભાની શરૂઆતમાં જ પ્રોટોકોલ અને દાખલાઓનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
બંધારણના અનુચ્છેદ 188ને ટાંકીને ભાજપે કહ્યું હતું કે વિધાનસભામાં હંમેશા સિનિયર સભ્યને જ પ્રોટેમ સ્પીકર તરીકે પદ આપવામાં આવે છે. ત્યારે હાલમાં વિધાનસભામાં એવા ઘણા સભ્યો છે જેઓ અકબરુદ્દીન ઓવૈસીથી વધારે વરિષ્ઠ છે, પરંતુ નિયમોનું પાલન કરવાને બદલે કાંગ્રેસ સરકારે ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપે એ બાબતની પણ સ્પષ્ટતા કરી હતી કે જો તેમની માંગનો અમલ કરવામાં નહીં આવે તો તેઓ નિયમોનું ઉલ્લંઘન કરીને નિમણૂક કરાયેલ વ્યક્તિની સામે શપથ લેશે નહીં.
તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ફરી એકવાર AIMIMની ટિકિટ પર ચંદ્રયાંગુટ્ટાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.