
વોશિંગટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાના નવા નિયમ લાગુ કરીને અનેક ભારતીય H1B વિઝા ધારકોને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. નવા નિયમ મુજબ H1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર કરી દેવામાં આવી છે. જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજીત 88 લાખ રૂપિયા જેટલી થાય છે. જેથી H1B વિઝા ધારક ભારતીયો ચિંતામાં મૂકાયા છે. પરંતુ હવે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. કારણે ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે, દરેક H1B વિઝા ધારકોએ આ ફી ભરવી પડશે નહીં. ત્યારે આવો જાણીએ આ ફી કોને ભરવી પડશે.
વન ટાઈમ ફી, માત્ર નવી અરજી પર લાગુ થશે
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૈરોલાઈન લેવિટે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “જે લોકો હાલ H1B વિઝા ધારક છે અને વિદેશમાં રહે છે. તેમણે 1,00,000 ડૉલર ફી ચૂકવવી પડશે નહીં. આ વીધા ધારકો સામાન્ય રીતથી અમેરિકામાં આવન-જાવન કરી શકે છે. નવો આદેશ માત્ર નવી અરજી અને આગામી લોટરી સાયકલ પર લાગુ થશે, વિઝા રેન્યુઅલ કે હાલના વિઝા ધારકો પર લાગુ થશે નહીં.”
કૈરોલાઈન લેવિટે એ સ્પષ્ટતા પણ કરી કે, “આ ફી વાર્ષિક ફી નથી, આ વન ટાઈમ ફી છે અને માત્ર નવી અરજી પર જ લાગૂ થશે.”
ભારતીય વિઝા ધારકો ઉતાવળ ન કરે
અમેરિકન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જે લોકો અમેરિકાથી ભારત આવ-જા કરવાના છે, તેમણે ઉતાવળ કરવાની અથવા 1,00,000 ડૉલર ફી ભરવાની જરૂર નથી. આ માત્ર નવા વિઝા ધારકોને લાગુ પડશે.
અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે ઈમરજન્સી મદદ માટે હેલ્પલાઈન નંબર +1-202-550-9931 જાહેર કર્યો છે. ભારતીય નાગરિકો વોટ્સએપ દ્વારા પર આ નંબરનો સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.
આ પણ વાંચો…ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, H1 B વિઝા માટે હવે વાર્ષિક 90 લાખની અધધધ ફી