માલિક અને કર્મચારીની મિલિભગતે યુપી પોલીસને પણ ચોંકાવી દીધી

કૌશામ્બી: લગભગ નવેક મહિના પહેલા ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પોલીસ સ્ટેશને ઓનલાઈન ફરિયાદ મળી. આ ફરિયાદ એક મોબાઈલ ટાવર ઇન્સ્ટોલ કરતી કંપનીએ કરી હતી. તેમની ફરિયાદ અનુસાર તેમના 50 મીટર લાંબા મોબાઈલ ટાવરને સેટ અપ બોક્સ સાથે કોઈ ઉપાડી ગયું હતું. તેમની ફરિયાદ જોઈ પોલીસ ચોંકી ઉઠી અને તપાસ શરૂ કરી. વાત એમ હતી કે કંપનીના ટેકનિશિયન રાજેશ યાદવે 31 માર્ચ, 2023ના રોજ સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં ઈન્સ્ટોલ કરેલો આખો મોબાઈલ ટાવર ગાયબ હતો. એટલે કે ટાવરનું આખું માળખું અને સેટઅપ ત્યાંથી ગાયબ હતું. રાજેશને આ જોઈને આશ્ચર્ય થયું અને તેણે કંપનીને આ અંગે જાણ કરી. કંપનીએ પોલીસને જાણ કરી.
આ ફરિયાદ વાંચીને પોલીસ જેટલી ચોંકી ગઈ તેના કરતા પણ વધારે ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમને આખી હકીકતની ખબર પડી. પોલીસે તપાસ હાથ ધરી ત્યારે જે બહાર આવ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ઉજિહિની કૌશામ્બી જિલ્લાના સાંદીપન ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું એક ગામ છે. આ મામલો એ જ ગામનો છે. ગામમાં રહેતા મજીદ ઉલ્લાહના પુત્ર ઉબેદ ઉલ્લાહની જમીન પર મોબાઈલ કંપનીએ ટાવર લગાવ્યો હતો. જ્યાં પ્રતાપગઢ જિલ્લાના રાણીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રસીપુરના રહેવાસી રાજેશ યાદવ જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. તે સમયાંતરે ત્યાં જઈને ટાવરનું નિરીક્ષણ કરતો હતો.
કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે ટેકનિશિયન રાજેશ યાદવે 31 માર્ચ, 2023ના રોજ સ્થળની મુલાકાત લીધી ત્યારે તે જગ્યાએ આખો ટાવર ગાયબ હતો. રાજેશને આ જોઈને નવાઈ લાગી. તેણે જમીનના માલિક પાસેથી આ અંગે પૂછપરછ કરી હતી. પરંતુ તેમણે આ મામલે કોઈ માહિતી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આ પછી, કંપનીના એન્જિનિયરે 9 મહિના પછી એટલે કે 28મી નવેમ્બરે અજાણ્યા ચોરો વિરુદ્ધ ઓનલાઈન કેસ દાખલ કર્યો.
આ કંપનીએ કૌશામ્બી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં એક ડઝનથી વધુ ટાવર લગાવ્યા હતા. જેમાંથી એક આખો ટાવર ચોરોએ ગુમ કરી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ટાવર ઇન્સ્ટોલ કરનાર કંપનીએ 2010માં જમીન માલિક ઉબૈદુલ્લા સાથે 10 વર્ષનો કરાર કર્યો હતો અને ત્યાં ટાવર લગાવ્યો હતો. 10 વર્ષ પૂરા થયા પછી, કંપની પહેલા કરતા ઓછો દર ચૂકવીને ટાવરને તે જ જગ્યાએ રહેવા દેવા માંગતી હતી. પરંતુ જમીન માલિકે તેનો ઇન્કાર કરી ભાડાની રકમ વધારવા જણાવ્યું હતું. આ પછી, કંપનીના કર્મચારીઓએ જાન્યુઆરી 2023 માં ત્યાંથી ટાવર અનઈન્સ્ટોલ કર્યો અને ત્યારબાદ 31મી માર્ચના રોજ ચોરીની ઘટના બતાવીને પોલીસ સ્ટેશનમાં ન આવતા ઓનલાઈન કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે ટાવર ખોલતી વખતે જમીન માલિકને આપેલા દસ્તાવેજો અંગે કંપની સામે કલમ 182 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. તે જ સમયે, ફરિયાદ આપનાર રાજેશ યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે ટાવર અને સમગ્ર સેટઅપની કિંમત લગભગ 8,52,025 રૂપિયા છે અને WDVની કિંમત 4,26,818 રૂપિયા છે. રાજેશ યાદવના કહેવા પ્રમાણે, તેમણે કંપનીને ટાવર ગાયબ થવાની જાણ કરી હતી. પરંતુ આ મામલે કાર્યવાહી કરવામાં 9 મહિનાનો સમય લાગ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કે ચોરીની ઘટના સંપૂર્ણપણે ખોટી છે. આ સમગ્ર મામલામાં સામેલ તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઇપીસીની કલમ 182 હેઠળ ખોટા અહેવાલો દાખલ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.