ડાયપર પહેરવાથી બાળકની કિડનીને નુકસાન થાય છે? જાણો આ દાવા પાછળનું સત્ય

Kidney damage from diapers: આજના આધુનિક યુગમાં ડાયપર (Diapers) બાળ સંભાળનો એક અવશ્યક ભાગ બની ગયા છે, જે માતાપિતાને ઘણી સુવિધા આપે છે. જોકે, સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ પોતે ડૉક્ટર હોવાનો દાવો કરીને કહી રહ્યો હતો કે, ડાયપર પહેરવાથી બાળકની કિડનીને નુકસાન થઈ શકે છે. આ દાવાએ ઘણા માતાપિતાને ડરાવી દીધા છે. પરંતુ સત્ય કઈક જુદુ જ છે. બાળ નિષ્ણાત આ દાવાને નકારી રહ્યા છે.
ડાયપર કિડનીને ખરેખર નુકસાન કરે છે?
ડાયપરથી કિડનીને નુકસાન થવા અંગેના દાવા વિશે બાળ નિષ્ણાત જણાવી રહ્યા છે કે, “ડાયપર પહેરવાથી બાળકની કિડનીને નુકસાન થઈ શકે છે તે દાવો સંપૂર્ણપણે ખોટો છે. આવી માહિતી ફેલાવવી જોઈએ નહીં અને લોકોએ બિલકુલ ગભરાવું જોઈએ નહીં.”
બાળ નિષ્ણાત જણાવે છે કે, “ડાયપરનું કાર્ય ફક્ત મળ-મૂત્રને શોષી લેવાનું છે, જ્યારે કિડની શરીરની અંદર સ્થિત છે અને તેનું કાર્ય લોહીને ફિલ્ટર કરવાનું છે. ડાયપર કિડનીને નુકસાન પહોંચાડી શકે છે તે વાત માત્ર એક દંતકથા (Myth) છે, અને તેની કિડની પર કોઈ સીધી અસર થતી નથી.”
ડાયપરથી ત્વચાની સમસ્યાઓનું જોખમ
ડાયપરથી કિડની ફેલ્યોર જેવી ગંભીર સમસ્યા થતી નથી. પરંતુ ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે, તેને નકારી શકાય તેમ નથી. જો બાળક લાંબા સમય સુધી ભીનું ડાયપર પહેરે તો ત્વચા ચેપ (Skin Infection), ફોલ્લીઓ (Rashes) અથવા યુટીઆઈ (UTI – Urinary Tract Infection)નું જોખમ વધી શકે છે. ડાયપર સમયસર બદલવામાં ન આવે તો બેક્ટેરિયા વધવાનું શરૂ કરી શકે છે, જે ક્યારેક પેશાબની નળીઓમાં પહોંચીને યુટીઆઈનું કારણ બને છે.
ડાયપર બાળકોની ત્વચાને નુકસાન ન પહોંચાડે તે માટે દર 3 થી 4 કલાકે ડાયપર બદલવું મહત્વપૂર્ણ છે. જો બાળક મળત્યાગ કરે છે, તો તરત જ ડાયપર બદલો. દરેક વખતે ડાયપર બદલ્યા પછી, બાળકને બેબી વાઇપ્સ અથવા હૂંફાળા પાણીથી સાફ કરો અને ત્વચાને સૂકવવા દો. રાત્રે સૂતા પહેલા બાળકને તાજું ડાયપર પહેરવાનું ભૂલશો નહીં. બાળકને દિવસમાં થોડા કલાકો માટે ડાયપર-મુક્ત રાખો, જેથી ત્વચા શ્વાસ લઈ શકે. જો કૃત્રિમ ડાયપરની ચિંતા હોય, તો કાપડના ડાયપર અથવા ઓર્ગેનિક કોટન ડાયપરનો ઉપયોગ કરી શકાય છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)



