ચીનમાં ફેલાતા રહસ્યમય તાવ અંગે કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવણી જાહેર કરી
નવી દિલ્હી: કોવિડ-19 પાનડેમિકમાંથી હજુ ઉભરી રહેલું સમગ્ર વિશ્વ ફરી એકવાર ચીનમાં ફેલાતા રહસ્યમય તાવ અને ન્યુમોનિયા બાબતે ચિંતિત છે. ચીનમાંથી મળી રહેલા અહેવાલો બાબતે ભારત સરકારે સાવધાનીના પગલા ભર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે જો બાળકોમાં શ્વસન સંબંધી કોઈ સમસ્યા જણાય તો તરત જ ટેસ્ટ કરાવે, આ અંગેની સંપૂર્ણ માહિતી કેન્દ્ર સરકારને પણ આપવી. ચીનના આરોગ્ય મંત્રાલયે રવિવારે સ્થાનિક અધિકારીઓને ક્લિનિક્સની સંખ્યામાં વધારો કરવા કહ્યું હતું, જેથી આ તાવ સંબંધિત કેસોનો ઝડપથી સામનો કરી શકાય.
ગયા અઠવાડિયે ચીનમાંથી રહસ્યમય તાવના વધતા કેસ વિશે ઘણા અહેવાલો આવવા લગતા જ તે વૈશ્વિક મુદ્દો બની ગયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બાળકોમાં ન્યુમોનિયાના વધતા જતા કેસ અંગે ચીન પાસેથી માહિતી માંગી છે. ચીનની કેબિનેટ સ્ટેટ કાઉન્સિલે શુક્રવારે કહ્યું કે આ શિયાળાની ઋતુમાં રોગ ચરમસીમા પર હશે. જ્યારે ન્યુમોનિયા ચેપ કેટલાક વિસ્તારોમાં વધુ હશે.
આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે જો શકાસ્પદ તાવના કેસો અને શ્વાસ લેવામાં તકલીફના મામલા સામે આવે, તો તેને તાત્કાલિક તપાસ માટે મોકલવામાં આવે અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને પણ મોકલવામાં આવે.
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીનમાં ખાસ કરીને બાળકોમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસમાં વધારાને જોતા સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે મહેસાણામાં કહ્યું હતું કે, “સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ICMR અને આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ચીનમાં ન્યુમોનિયાના વધતા જતા કેસો પર નજર રાખી રહ્યા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.”