
નવી દિલ્હી: દેશમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરના નિયમન માટે લેબર લો અમલમાં છે. જેના થકી તમામ પ્રકારના કર્મચારીઓને વિવિધ પ્રકારના લાભ મળે છે. જોકે, તાજેતરમાં કેન્દ્ર સરકારે લેબર લોમાં મહત્વનો સુધારો કર્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે 29 લેબર લોને માત્ર 4 કોડ સુધી સીમિત કરી દીધો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યાનુસાર, દરેક કર્મચારીઓને સારું વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સુરક્ષાની ગેરંટી મળશે. લેબર એક્ટમાં લાગૂ કરવામાં આવેલા સુધારામાં એક ફેરફાર ગ્રેચ્યુઇટી સાથે જોડાયેલો છે. જેને મહત્વનો ફેરફાર ગણવામાં આવી રહ્યો છે. જેનાથી અનેક કર્મચારીઓને લાભ થશે.
5 વર્ષે મળનારો લાભ 1 વર્ષે મળશે
શ્રમ અને રોજગાર મંત્રાલયે લેબર એક્ટમાં ગ્રેચ્યુઇટીના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષ નોકરી પૂરી કર્યા બાદ કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ મળતો હતો. પરંતુ સરકારે કરેલા આ ફેરફારથી 5 વર્ષની ફિક્સ ટર્મના કર્મચારીઓને 5 વર્ષની રાહ જોવી પડશે નહીં. તેઓને માત્ર 1 વર્ષમાં ગ્રેચ્યુઇટીનો લાભ મળી જશે.
નવા લેબર લોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ફિક્સ ટર્મ એમ્પલોઇને કાયમી કર્મચારી જેવા તમામ પ્રકારના લાભ મળશે. જેમાં રજાથી લઈને મેડિકટ અને સોશિયલ સિક્યોરિટી સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. તેમને કાયમી સ્ટાફને સમકક્ષ પગાર આપવાની સાથોસાથ સિક્યોરિટી પણ મળશે. સરકારના આ નિર્ણયનો હેતુ કોન્ટ્રાક્ટ પર કામ ઘટાડવાનો તથા સીધી ભરતીને પ્રોત્સાહન આપવાનો છે.
કોઈપણ કંપની પોતાની તરફથી કર્મચારીઓને તેમના કામના બદલામાં ભેટ આપતી હોય છે. જેને ગ્રેચ્યુઇટી તરીકે ઓળખવામાં આવે છે. દરેક ફેક્ટરી, ખાણ, ઓઇલ ફિલ્ડ, બંદરો અને રેલવેમાં પેમેન્ટ અને ગ્રેચ્યુઇટી એક્ટ લાગુ થાય છે. જેના હેઠળ કંપનીઓ અત્યારસુધી સતત 5 વર્ષ કામ કરનાર કર્મચારીને ગ્રેચ્યુઇટીનો લાભ આપતી હતી. જે હવે કેન્દ્ર સરકારે કરેલા સુધારા બાદ 1 વર્ષે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ગ્રેચ્યુઇટીની લિમિટ 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ સરકારે લિમિટની મુદ્દત ઘટાડીને 1 વર્ષ કરતા કર્મચારીઓને મોટી રાહત મળી છે.



