
નૂંહ: હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એકવાર હોબાળો થયો હતો. ગુરુવારે સાંજે 7.30ના સમયે મદરેસાના કેટલાક અસામાજિક તત્વોએ કુવા પર પૂજા કરવા જઈ રહેલી મહિલાઓ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ઘણી આઠ જેટલી મહિલાઓ ઘાયલ થઈ છે. જેમને સારવાર માટે નૂંહના કોમ્યુનિટી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ બંને સમાજના લોકો એકઠા થયા હતા. આ ઘટનાને કારણે નૂંહ જિલ્લાના એસપી નરેન્દ્ર સિંહ બિજરાનિયાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમજ તે વિસ્તારમાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
નૂંહના વોર્ડ નંબર 10માં રહેતા રામ અવતાર નામના ઘરે પુત્રના જન્મ પર કુવાની પૂજા કરવા માટે સંગીતના સાધનો લઇને નજીકના શિવ મંદિરમાં મહિલાઓ જઈ રહી હતી. ત્યારે મસ્જિદ પાસેથી પસાર થતી વખતે કેટલાક યુવાનોએ તેમની પર પથ્થરમારો કર્યો હતો. જો કે મસ્જિદની અંદરના સીસીટીવી ફૂટેજ દ્વારા ત્રણ છોકરાઓની ઓળખ કરવામાં આવી છે. ત્રણેય છોકરાઓ સગીર છે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટના વિશે FIR નોંધી અને છોકરાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના બાદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. જો કે વરિષ્ઠ પોલીસ અધિકારી અને નૂંહના ધારાસભ્ય આફતાબ અહેમદ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે નૂંહમાં થોડા સમય પહેલા જ આવી એક મોટી સાંપ્રદાયિક ઘટના બની હતી. 31 જુલાઈના રોજ મુસ્લિમ બહુમતીવાળા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસ પર ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ થયેલી અથડામણમાં છ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બે હોમગાર્ડ અને એક મૌલવીનો પણ સમાવેશ થાય છે.