
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વાતાવરણમાં ફેરફાર નોંધાયો છે. આજે સાંજે એકાએક દિલ્હી-એનસીઆરમાં જોરદાર ધૂળની આંધી જોવા મળી રહી છે. આ સાથે જ વરસાદની પણ શક્યતા સેવાઇ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર (IMD) સમગ્ર દિલ્હી-NCR ક્ષેત્રમાં ધૂળની આંધી અને વાવાઝોડાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
આપણ વાંચો: પાટનગર દિલ્હી સહિત બિહારના વાતાવરણમાં પલટોઃ વીજળી પડવાથી 25નાં મોત
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધૂળની આંધી આવવાની સંભાવના છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે.
આ દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે અમુક સ્થળોએ આ ગતિ 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
દિલ્હીમાં ધૂળની આંધીને કારણે ઘણા વિસ્તારોમાં ઝાડની ડાળીઓ પડી ગઈ હતી. તે જ સમયે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી. રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ ચલાવવા પડી રહ્યા છે. પીક અવરને કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ધૂળના તોફાનને કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ છે.