પુરાતત્વ વિભાગે જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેનો રિપોર્ટ દાખલ કરવા માટે સમય માંગ્યો
વારાણસીના જ્ઞાનવાપી પરિસરના સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવા માટે આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)એ વધુ સમયની માંગી કરી છે. સર્વેનો અહેવાલ આજે વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારની સ્પેશિયલ ગવર્નિંગ કાઉન્સિલના અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી રિપોર્ટ તૈયાર થઇ શક્યો નથી. અમે 15 દિવસનો વધારાનો સમય આપવા માટે કોર્ટમાં અરજી કરવાના છીએ. અલગ-અલગ જગ્યાએથી ટીમો આવતી હોવાથી અને તહેવારોની રજાઓને કારણે રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થયો હોવાનું માનવામાં આવે છે.
21મી જુલાઈના રોજ, જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે ASIને જ્ઞાનવાપી સંકુલ (સીલ કરેલ વજુખાના સિવાય)નો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIની ટીમે 24 જુલાઈથી સર્વેની કામગીરી શરૂ કરી હતી. 2 નવેમ્બરના રોજ ASIએ કોર્ટને જણાવ્યું કે સર્વે પૂર્ણ થઈ ગયો છે. રિપોર્ટ તૈયાર કરવા માટે વધુ 15 દિવસની જરૂર છે. કોર્ટે 17 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
જ્ઞાનવાપીમાં સર્વે કરનારી ટીમમાં દેશભરના ASI નિષ્ણાતો જોડાયા હતા. ડેપ્યુટી ડાયરેક્ટર ડો. આલોક કુમાર ત્રિપાઠીના નેતૃત્વમાં સારનાથ, પ્રયાગરાજ, પટના, કોલકાતા અને દિલ્હીના પુરાતત્વ નિષ્ણાતોએ સર્વેનું કામ કર્યું હતું. જીપીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અભ્યાસ કરવા હૈદરાબાદથી નિષ્ણાતોની ટીમ આવી હતી.
મસ્જિદ પહેલાથી અસ્તિત્વમાં રહેલા સ્ટ્રક્ચર પર બનાવવામાં આવી હતી કે કેમ તે તપાસવા માટે સર્વેક્ષણ કરવામાં આવી રહ્યો છે.