કોર્ટની જમીન હડપ કરવાનો હતો આરોપ, AAPએ સુપ્રીમ કોર્ટમાં શું આપ્યો જવાબ જાણો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી AAPએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે આવેલું પાર્ટી કાર્યાલય અતિક્રમણ નથી. AAPએ દાવો કર્યો હતો કે આ જમીન કાયદેસર રીતે દિલ્હી સરકાર દ્વારા આમ આદમી પાર્ટીને રાઉઝ એવન્યુ કોર્ટ કોમ્પ્લેક્સ માટે ફાળવવામાં આવે તે પહેલા જ આપવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટના એવા અવલોકનને ફગાવી દીધું હતું કે એક રાજકીય પક્ષે દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર અતિક્રમણ કરીને તેની ઓફિસ બનાવી હતી.
આમ આદમી પાર્ટીએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે દિલ્હી સરકારે તેને 2015માં આ જમીન ફાળવી હતી, જ્યારે કેન્દ્ર સરકારની જમીન અને વિકાસ કાર્યાલય (L&DO)એ તેને 2023માં રાઉઝ એવન્યુ કોર્ટ કોમ્પ્લેક્સ માટે ફાળવી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતિક્રમણને તાત્કાલિક દૂર કરવામાં આવે, ત્યારે AAPએ દલીલ કરી હતી કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ ઘટનાની તેમની પાર્ટી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા પર નકારાત્મક અસર પડશે.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે તે જગ્યા ખાલી કરવા માટે તૈયાર છે, પરંતુ હાલની ઓફિસ ખાલી કરવાનો આદેશ NDMC વિસ્તારમાં બીજી ઓફિસની જગ્યા મળ્યા પછી જ આપવો જોઈએ. પક્ષે કોર્ટને એ હકીકત પર વિચાર કરવા વિનંતી કરી હતી કે તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવશે તો AAP પાસે દિલ્હીમાં કોઈ કાર્યાલય નહીં રહે, ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓ નજીક છે અને અન્ય પાંચ રાષ્ટ્રીય પક્ષો દિલ્હીમાં ફાળવેલ કાર્યાલયોમાંથી કાર્ય કરે છે.
અગાઉ 13 ફેબ્રુઆરીના રોજ, જ્યારે એવી વાત પ્રકાશમાં આવી કે દિલ્હી ન્યાયિક માળખા માટે નક્કી થયેલ જમીન પર રાજકીય પક્ષનો કબજો છે, ત્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે નારાજગી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એમિકસ ક્યુરી વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરે બેંચને કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટને જમીનનો કબજો મળ્યો નથી, કારણ કે તેનો ઉપયોગ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આની નોંધ લેતા બેન્ચે ભારત સરકારના GNCTના મુખ્ય સચિવ, DWDના પ્રભારી સચિવ અને નાણાં સચિવને આગામી સુનાવણી પહેલાં હાઇકોર્ટના રજિસ્ટ્રાર સાથે બેઠક યોજવા અને જમીન ખાલી કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા જણાવ્યું હતું. કોર્ટમાં તેની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે.