આમ આદમી પાર્ટીના મુખ્યાલયનું સરનામું બદલાયું, કોર્ટના આદેશ મુજબ કેન્દ્રએ ઓફીસ ફાળવી

નવી દિલ્હી: લાંબી ચર્ચા બાદ આખરે દિલ્હીમાં આમ આદમી પાર્ટી(AAP)ના કાર્યાલયનું સરનામું બદલાઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીને નવી ઓફિસ ફાળવવામાં આવી છે. કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટી માટે નવી ઓફિસ ફાળવી છે. AAP બે રાજ્યો એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને પંજાબમાં સત્તા પર છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીને નવી દિલ્હીમાં રવિશંકર શુક્લા લેનમાં નવી ઓફિસ ફાળવવામાં આવી છે. માહિતી અનુસાર, હવે ‘બંગલો નંબર 1, રવિશંકર શુક્લા લેન, નવી દિલ્હી’ આમ આદમી પાર્ટીના મુખ્યાલયનું નવું સરનામું હશે.
માર્ચ મહિનામાં એક આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે, તે દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવેલી જમીન પર અતિક્રમણ છે. આ જમીનનો હેતુ રાઉઝ એવન્યુ કોર્ટ માટે વધારાનો કોર્ટરૂમ બાંધવાનો છે. તે જ સમયે, આમ આદમી પાર્ટી વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ જમીન 2015 દરમિયાન AAPને આપવામાં આવી હતી. AAP પક્ષ દેશના છ રાષ્ટ્રીય પક્ષોમાંનો એક છે અને તેને પ્લોટની જરૂર છે.
થોડા મહિનાઓ બાદ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાન, એવામાં આમ આદમી પાર્ટીનું મુખ્ય કાર્યાલય બદલવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં જેલમાં છે. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પણ જેલમાં છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં પાર્ટી મુશ્કેલીનો સામનો કરી રહી છે.
Also Read –