ઉજ્જૈન રેપ કેસઃ આરોપીના પિતાએ પુત્રને ફાંસીની સજા આપવા માંગ કરી, કહ્યું- હું તેને મળવા ક્યાંય નહીં જાઉં

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમના પિતાએ તેના દિકરાને ફાંસીની સજા આપવા માંગ કરી હતી. આરોપીના પિતાએ કહ્યું કે તેના પુત્રને ફાંસીની સજા આપવામાં આવે, હું તેણે ક્યારેય મળવા નહિ જાઉં. જો મારો દીકરો ખરેખર ગુનેગાર હોય તો તેને પકડવો ન જોઈએ, તેને સીધી ગોળી મારવી જોઈતી હતી. જો મારા પુત્રની જગ્યાએ મેં આવો ગુનો કર્યો હોત તો પોલીસ પકડે એ પહેલા મેં આત્મહત્યા કરી લીધી હોત.
સ્થાનિક બાર એસોસિએશને વકીલોને અપીલ કરી કે કોઈ પણ વકીલ કોર્ટ આરોપીનો બચાવ ન કરે. આ કેસમાં ગુરુવારે ઓટો રિક્ષા ચાલક ભરત સોનીની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી ઓટો ડ્રાઈવરના પિતાએ પત્રકારોને કહ્યું, “આ શરમજનક કૃત્ય છે. ન તો હું તેને મળવા હોસ્પિટલ ગયો, ન તો હું પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જઈશ. મારા પુત્રએ ગુનો કર્યો છે, તેથી તેને ફાંસી આપવી જોઈએ.”
દરમિયાન, વિપક્ષ કોંગ્રેસે આ ઘટના અંગે મધ્યપ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર ‘મૌન’ રહેવાનો આરોપ લગાવ્યો છે.
લગભગ 12 થી 15 વર્ષની એક બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના રસ્તાઓ પર રઝળતી મળી આવતા ત્રણ દિવસ બાદ રિક્ષા ચાલક ભરતની ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલ તપાસમાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સાબિત થયું છે.
પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જ્યારે પોલીસ આરોપી ભરત સોનીને ગુનાના સ્થળે લઈ ગઈ ત્યારે તેણે કથિત રીતે ભાગવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન તે ઘાયલ થઈ ગયો. પીડિતાને ઇન્દોરની સરકારી મહારાજા તુકોજીરાવ હોલકર મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં બુધવારે તેની જટિલ સર્જરી કરવામાં આવી હતી.
એક કાઉન્સેલરે પીડિતા સાથે વાત કરી અને જાણવા મળ્યું કે તે મધ્યપ્રદેશના સતના જિલ્લાની રહેવાસી છે, પરંતુ તે પોતાનું નામ અને સરનામું યોગ્ય રીતે આપી શકી નથી. જો કે, સતના પોલીસે કહ્યું છે કે જો તે એ જ છોકરી છે કે જેના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, તો તેના પરિવારજનોએ તેની ઓળખ કર્યા પછી તેની પુષ્ટિ કરવામાં આવશે.