
નવી દિલ્હીઃ ચંદીગઢ એરપોર્ટ પર બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રાનૌત (Kangna Ranaut) ને થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની ટ્રાન્સફર સાથે જોડાયેલા સમાચાર પર CISFનું નિવેદન આપ્યું છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
એક અહેવાલ મુજબ, સીઆઈએસએફએ જણાવ્યું કે ભાજપ સાંસદ કંગનાને થપ્પડ મારનાર સીઆઈએસએફ કોન્સ્ટેબલ કૌર હજુ પણ સસ્પેન્શન હેઠળ છે અને તેની સામે વિભાગીય તપાસ ચાલુ છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલને નોકરી પર પાછા બોલાવી લેવામાં આવ્યા છે અને તેની ચંદીગઢથી બેંગલુરુ બદલી કરવામાં આવી છે. આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકીને CISFએ આ દાવાઓને ફગાવી દીધા છે.
આ પણ વાંચો: Kangana Thappadkand: તે સમયે કંગનાએ થપ્પડ મારવાની કરી હતી તરફદારી અને હવે…
આ ઘટના બાદ કોન્સ્ટેબલ કુલવિંદર કૌરના ભાઈ શેર સિંહ મહિવાલે દાવો કર્યો હતો કે તેની બહેનને કંગનાને થપ્પડ મારવાનો કોઈ પસ્તાવો નથી. કપૂરથલામાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સંગઠન સચિવ મહિવાલે કહ્યું હતું કે તેમની બહેન ખેડૂતોના આંદોલનને લઈને કંગનાની અગાઉની ટિપ્પણીઓથી નારાજ છે. મહિવાલે એક વિડિયો સંદેશમાં કહ્યું કે તે કૌરને મળ્યો અને તેની સાથે ઘટના અંગે ચર્ચા કરી. મહિવાલે કહ્યું, કુલવિંદરને આ ઘટના પર કોઈ પસ્તાવો નથી.
સાંસદ બન્યા બાદ ચંદીગઢ એરપોર્ટ પહોંચેલી કંગનાએ મહિલાકર્મીએ થપ્પડ મારી હતી. કિસાન આંદોલન સમયે કંગનાએ કરેલા એક નિવેદનથી નારાજ મહિલાકર્મીના આ વર્તનની ઘણાએ ટીકા કરી હતી અને વખોડ્યું હતું.