Tesla ની ભારતમાં એન્ટ્રી , આ શહેરમાં શો રૂમ માટે જગ્યા લીધી હોવાના અહેવાલ

નવી દિલ્હી : ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા(Tesla)ભારતમાં પ્રવેશવા જઇ રહી છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર ટેસ્લાએ ભારતમાં તેના શોરૂમ માટે જગ્યા અને વિસ્તારને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. કંપનીએ ભારતમાં તેના પહેલા શોરૂમ માટે લગભગ 4,000 ચોરસ ફૂટ જગ્યા ભાડે પણ લીધી છે.
4,000 ચોરસ ફૂટ જગ્યા ભાડે લીધી
મીડીયા અહેવાલમાં પ્રોપર્ટી માર્કેટના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં તેનો પહેલો શોરૂમ ખોલવા માટના સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ અંતર્ગત કંપનીએ BKC માં એક કોમર્શિયલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર 4,000 ચોરસ ફૂટ જગ્યા ભાડે લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું માસિક ભાડું લગભગ 35 લાખ રૂપિયા થશે.
આપણ વાંચો: મસ્ક ભારતમાં ટેસ્લા ફેક્ટરી શરૂ કરે તેમાં પણ ટ્રમ્પને ઝટકા લાગ્યાઃ જાહેરમાં કહી દીધું કે…
દિલ્હીના એરોસિટીમાં શોરૂમ માટે જગ્યા શોધી રહી છે
આ અહેવાલ અનુસાર ટેસ્લાએ આ જગ્યા 5 વર્ષ માટે ભાડે લીધી છે. જ્યાં કંપની તેની કારની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરશે.તેમજ કંપની એપ્રિલથી કારનું વેચાણ શરૂ કરી શકે છે. મુંબઈ ઉપરાંત ટેસ્લા દેશની રાજધાની દિલ્હીમાં પણ એક શોરૂમ ખોલવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની દિલ્હીના એરોસિટીમાં શોરૂમ માટે જગ્યા શોધી રહી છે. જોકે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.