Jammu Kashmirના પુલવામામાં આતંકવાદીઓએ બિન-કાશ્મીરી શ્રમિકને ગોળી મારી
પુલવામા: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસથી આતંવાદી ગતિવિધિઓ (Terrorist attack in Jammu and Kashmir) વધી ગઈ છે, રવિવારે આતંકવાદીઓએ ગાંદરબલમાં ટનલનું નિર્માણ કરતી કંપનીમાં શ્રમિકો પર હુમલો કર્યો, જેમાં 7 લોકોના મોત થયા હતાં. એવામાં આજે વધુ એક આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ પુલવામામાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા હતાં. ગોળી વાગવાથી એક શ્રમિક ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આજે ગુરુવારે સવારે આતંકવાદીઓએ ઉત્તર પ્રદેશના એક શ્રમિકને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી શુભમ કુમારને બટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી, તેને હાથમાં ગોળી વાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
Also Read – Jammu Kashmir પોલીસની મોટી કાર્યવાહી, બાબા હમાસ આંતકી સંગઠનના મોડ્યુલને નષ્ટ કર્યું
આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી છે કે કેમ તે અંગે પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી. આજુબાજુમાંથી કોઈ કારતૂસ મળી આવ્યું નથી. જોકે, શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાતીય શ્રમિકો પર સતત હુમલા થઈ રહ્યા છે. રવિવારે રાત્રે, આતંકવાદીઓએ ગાંદરબલમાં સોનમર્ગ નજીક ગગનગીર વિસ્તારમાં ઝેડ મોડ ટનલનું નિર્માણ કરતી કંપનીમાં કામ કરતા શ્રમિકો પર હુમલો કર્યો, જેમાં છ શ્રમિકો અને એક ડૉક્ટરનું મોત થયું. અન્ય કેટલાક શ્રમિકો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ હુમલાની જવાબદારી લીધી છે.
18 ઓક્ટોબરના રોજ શોપિયાં જિલ્લામાં મૂળ બિહારના એક શ્રમિકની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.