ભારતમાંથી ભાગેડુ આતંકવાદીઓ: કયા હુમલાઓ સાથે સંકળાયેલા અને કોના શાસનમાં પલાયન?

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના બીજા અઠવાડિયે બંને ગૃહોમાં ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચા ચાલી રહી છે. આજે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ સરકાર અને વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા આતંકી હુમલાઓ વિશે વાત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, “કૉંગ્રેસની સરકાર દરમિયાન કેટલાય આતંકવાદીઓ દેશ છોડીને ભાગી ગયા, પરંતુ સરકાર હાથ પર હાથ રાખીને બેસી રહી.” ત્યારે અત્યારસુધી ભારતમાંથી કેટલા આતંકવાદીઓ ભાગી ગયા છે અને અત્યારે ક્યાં છૂપાયેલા છે? આવો જાણીએ.
સૌથી વધુ ડી-કંપની ગેંગના આતંકી ભાગ્યા
1993થી લઈને 2025 સુધી ભારતમાં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ 1993, બોવબઝાર બોમ્બ બ્લાસ્ટ 1993, લાલ કિલ્લાનો હત્યાકાંડ 2000, જમ્મુ કશ્મીર વિધાનસભા બહાર કારમાં બોમ્બ બ્લાસ્ટ, ભારતની સંસદમાં અટેક, અક્ષરધામ અટેક, મુંબઈ બોમ્બ બ્લાસ્ટ 2003, 26/11નો અટેક, પઠાણકોટ અટેક, પુલવામાં અટેક, પહલગામ અટેક જેવા અનેક આતંકી હુમલાઓ કરવામાં આવ્યા છે. આ હુમલાઓ પૈકીના ઘણા હુમલાઓના માસ્ટરમાઈન્ડ ભારતમાંથી પલાયન થઈ ગયા છે.
ભારતમાંથી ભાગી જનારા આતંકવાદીઓમાં પહેલું નામ દાઉદ ઇબ્રાહીમ કાસ્કરનું આવે છે. તેની ગેંગ ડી-કંપની તરીકે ઓળખાતી હતી. તેણે સમદ ખાનની હત્યા કરી હતી. જેથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1986માં તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો.
એસ હસન જૈદીના પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ’ અનુસાર, દાઉદનો પાસપોર્ટ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો, તેમ છતાં તે રાતો-રાત પાસપોર્ટ વગર પોતાના પાંચ-ભાઈ બહેન પૈકીના બે ભાઈ સાથે દુબઈ ભાગી ગયો હતો. તે સમયે કૉંગ્રેસની સરકાર હતી અને રાજીવ ગાંધી વડા પ્રધાન હતા. મુંબઈ બ્લાસ્ટ 1993, 26/11 જેવા આતંકી હુમલાઓને દાઉદ ઇબ્રાહિમના ઈશારે અંજામ આપવામાં આવ્યો હતો.
દાઉદ ઇબ્રાહિમ બાદ બીજા નંબર સૈયદ સલાહુદ્દીનનો આવે છે. તે હિજબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનનો સભ્ય હતો. તેણે કશ્મીરની ઘાટીમાં ભારત વિરૂદ્ધ આતંકવાદ ફેલાવવાનું બીડુ ઝડપ્યું હતું. અમેરિકાનો વિદેશ વિભાગ અને ભારતની તપાસ એજન્સીઓ તેને શોધી રહી હતી. તે 1993માં ભારત છોડીને ભાગી ગયો હતો. તે સમયે કૉંગ્રેસની સરકાર હતી અને પીવી નરસિંમ્હારાવ વડા પ્રધાન હતા.
સૈયદ સલાહુદ્દીન બાદ ત્રીજો નંબર ટાઇગર મેનન અને અનીસ ઈબ્રાહીમ કાસ્કરનો આવે છે. 12 માર્ચ 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં દાઉદ ઈબ્રાહીમની સાથોસાથ આ બંનેનો પણ હાથ હતો. મુંબઈ બોમ્બ બ્લાસ્ટને ભારતનો સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે. તેમા 12 બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને 257 લોકોએ જીવ ગુમાવ્યો હતો તથા 700 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને આતંકીઓ પણ કૉંગ્રેસની સરકારના સમગયાળા દરમિયાન 1993માં ભારત છોડીને ભાગી ગયા હતા.
ભાજપ સરકારે પણ ત્રણ આતંકીને મુક્ત કર્યા
1993 બાદ છેલ્લે 2008 અને 2010માં ક્રમશ: રિયાજ ભટકલ અને ઈકબાલ ભટકલ ભારત છોડીને પાકિસ્તાન ભાગી ગયા હતા. બંને સગા ભાઈ હતા. તેમણે ઈન્ડિયન મુજાહીદીન નામના આતંકી સંગઠનની સ્થાપના કરી હતી. તેમના સંગઠને 2008માં અમદાવાદ સહિત અનેક શહેરોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ બંને ભાઈઓ વારાફરતી ભાગી ગયા હતા. આ સમયે યુપીએની સરકાર હતી અને કૉંગ્રેસના નેતા મનમોહન સિંહ વડાપ્રધાન હતા.
दाऊद इब्राहम कास्कर 1986 में भागा, राजीव गांधी की सरकार थी।
— BJYM (@BJYM) July 29, 2025
सैयद सलाहुद्दीन 1993 में भागा, कांग्रेस की सरकार थी।
टाइगर मेमन, अनीस इब्राहम कास्कर 1993 में भागे, कांग्रेस की सरकार थी।
रियाज भटकल 2007 में भागा, कांग्रेस की सरकार थी।
इकबाल भटकल 2010 में भागा, कांग्रेस की सरकार… pic.twitter.com/TAOqgMpZDv
ઉલ્લેખનીય છે કે, કંદહાર પ્લેન હાઈજેકની ઘટના 1999માં ભાજપના શાશનકાળ દરમિયાન ઘટી હતી. તે સમયે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. હાઈજેક થયેલા પ્લેનમાં 155 યાત્રીઓ હતા. યાત્રીઓને છોડવાના બદલામાં સરકારે મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક અહેમદ ઝરગર અને અહેમદ ઓમર સઈદ શેખ જેવા ત્રણ ખતરનાક આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતા.
આપણ વાંચો: POK કેમ પાછું ના લીધું? PM મોદીનો કોંગ્રેસને રોકડો જવાબ, તક કોણે આપી?