પંજાબના સીએમને ફરી જાનથી મારવાની ધમકીઃ ખાલિસ્તાનીઓ ફરી એક્ટિવ

ભારતમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેણે પંજાબમાં ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટરમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને ધમકી આપવામાં આવી છે. તેણે પંજાબના નકોદરમાં ચારેક સ્થળે પોસ્ટર લગાવ્યા છે અને આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ પણ વાંચો: UP encounter:3 વોન્ટેડ ખાલિસ્તાની આરોપીઓ ઠાર, બે AK-47 રાઈફલ જપ્ત
સોશિયલ મીડિયા પર ધમકીભર્યો વીડિયોઃ
આતંકવાદી પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરીને પંજાબના સીએમ ભગવંત માનને ધમકી આપી છે. વીડિયોમાં જણાવ્યું છે કે તેના માણસોએ જાલંધરના નકોદરમાં ચાર જગ્યાએ ખાલિસ્તાની પોસ્ટર લગાવ્યા છે. વીડિયોમાં પન્નુએ એમ પણ કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી રહ્યા હતા ત્યારે ભારતના જલંધરમાં આ ખાલિસ્તાની પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
પન્નુએ આ વીડિયોમાં પંજાબના સીએમ ભગવંત માનને એવી ધમકી આપી હતી કે તેમની રાજનૈતિક સફર ખતમ થવાની શરૂઆત સતોજ ગામથી શરૂ થઇ ચૂકી છે. તેમણે સીએમ બિઅંત સિંહને યાદ કરવા જોઇએ. જો લોકો ખાલિસ્તાનના પોસ્ટર લગાવી શકે છે તે લોકો હથિયાર પણ ઉઠાવી શકે છે
નોંધનીય છે કે ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાની ચળવળનો અગ્રણી નેતા છે. તે પંજાબ અને તેની આસપાસના પડોશી પ્રદેશમાંથી ધર્મ આધારિત અલગ રાજ્યની હિમાયત કરે છે, જેને તે ખાલિસ્તાન કહે છે. તે શીખ ફોર જસ્ટિસનો કાનૂની સલાહકાર અને પ્રવક્તા પણ છે, જેનો ઉદ્દે્ય અલગ શીખ રાજ્યના વિચારને પ્રોત્સાહન આપવાનો છે.