દિલ્હીમાં આત્મઘાતી હુમલો: લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 9નાં મોત, જાણો શું છે આખો ઘટના ક્રમ

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનની બહાર સોમવારે બ્લાસ્ટ થયો, જેને તપાસ એજન્સીઓએ આત્મઘાતી આતંકી હુમલો ગણાવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને 24થી વધુ ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં કારમાં વિસ્ફોટક ભરીને ધમાકો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, આ ઉપરાંત આ હુમલા પાછળ ફરીદાબાદથી ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
પોલીસને ઘટનાસ્થળેથી મળેલી કારમાંથી એક શબ મળ્યો છે, જેનું DNA ટેસ્ટ કરાવીને ઓળખ પુષ્ટિ કરવામાં આવશે. શંકા છે કે આ શખ્સ ડોક્ટર ઉમર મોહમ્મદ હોઈ શકે, જે ફરીદાબાદ મોડ્યુલનો ફરાર આતંકી છે. સીસીટીવીમાં તે કાળા માસ્કમાં દેખાયો છે. ત્રણેય આતંકીઓ કારમાં સવાર હતા અને ડિટોનેટર લગાવીને હુમલો કર્યો.
I-20 કારનો રૂટ અને કનેક્શન
હુમલામાં વપરાયેલી હ્યુન્ડાઈ I-20 કાર બદરપુર બોર્ડરથી દિલ્હીમાં દાખલ થઈ અને લાલ કિલ્લા મેટ્રોના ગેટ નંબર-1 પાસે પહોંચી. આ કાર ગુરુગ્રામ RTOમાં રજિસ્ટર્ડ છે (નંબર HR 26 7624). તેનો માલિક મોહમ્મદ સલમાન હતો, જેણે તેને નદીમને વેચી, દે બાદ પછી રોયલ કાર ઝોન ફરીદાબાદ થઈને તારિક અને ઉમર સુધી પહોંચી. તારિકને પુલવામાથી પકડાયો છે, પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ફરીદાબાદમાંથી 2900 કિલો અમોનિયમ નાઇટ્રેટ અને હથિયારો મળ્યા પછી ડોક્ટર ઉમરની શોધ ચાલુ હતી. આ મોડ્યુલ જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગજવાત-ઉલ-હિંદ સાથે જોડાયેલું છે. પોલીસે સાત આરોપીઓને પકડ્યા છે, જેમાં ડોક્ટર મુજમ્મિલ ગનૈ, આદિલ રાઠર અને શાહીન શાહિદનો સમાવેશ થાય છે. UAPA, વિસ્ફોટક કાયદા અને હત્યાની કલમો હેઠળ FIR નોંધાઈ છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ: શું વિસ્ફોટ પાછળ જવાબદાર છે જમ્મુ-ફરીદાબાદથી ઝડપાયેલા 7 આતંકીઓ?



