
નવી દિલ્હી : મુંબઈ હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસના એનઆઇએ( NIA)રિમાન્ડ પર મોકલ્યો છે. આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ભારત આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી. તેને પાલમ એરપોર્ટના ગેટ નંબર 4 પરથી પટિયાલા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાના રિમાન્ડ અંગેની સુનાવણી સ્પેશિયલ એનઆઇએ જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં થઈ હતી. જોકે,એનઆઇએએ કોર્ટ પાસેથી તહવ્વુર રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. એનઆઇએ એ તહવ્વુર રાણા વિરુદ્ધ કોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા હતા.
એનઆઇએ એ મજબૂત પુરાવા આપ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઇએએ ઈમેલ સહિતના મજબૂત પુરાવાનો હવાલો આપીને પોલીસ કસ્ટડી માંગી હતી. એનઆઇએ એ કોર્ટને જણાવ્યું છે કે કાવતરાનો પર્દાફાશ કરવા માટે આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. એનઆઇએ એ એમ પણ કહ્યું છે કે રાણાએ અન્ય કાવતરાખોરો સાથે મળીને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. કોર્ટે રાણાને વકીલની સુવિધા પૂરી પાડી હતી.
તહવ્વુર રાણાને હવે એનઆઇએ ઓફિસમાં રાખવામાં આવ્યો
પાલમ એરપોર્ટ પર પહોંચ્યા પછી, રાણાને ભારત લાવવા સંબંધિત કેટલાક કાગળકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું. આ પછી એનઆઇએ ટીમ તેને કોર્ટમાં લઈ ગઈ હતી. 18 દિવસના રિમાન્ડના નિર્ણય બાદ તહવ્વુર રાણાને હવે એનઆઇએ ઓફિસમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તહવ્વુર રાણાને ભારતમાં લાવવામાં આવ્યો, પાકિસ્તાને આપ્યું આવું નિવેદન
આતંકવાદી તહવ્વુર રાણા પર આ આરોપ
આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવા માટે લાંબી કાનૂની લડાઈ બાદ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપવામાં આવી. તહવ્વુર રાણા વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે. રાણા પર ગુનાહિત કાવતરું, ભારત સરકાર સામે યુદ્ધ છેડવું, હત્યા, બનાવટી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ સહિત અનેક કલમો હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે.