જયપુરમાં ગોઝારો અકસ્માતઃ અસ્થિ વિસર્જનથી પાછા ફરતા એક પરિવારના 7 સભ્યનો અંત

જયપુરઃ રાજસ્થાનના પાટનગરમાં આજે એક ભયાનક રોડ અકસ્માત થયો, જેમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકનો પણ સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક ઘટના વાટિકા રિંગ રોડ પર બની, જ્યાં એક કાર બેકાબૂ થતા ઊંધી વળી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને હોસ્પિટલમાં પહોંચાડ્યા અને તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં એક જ પરિવારના મોટા ભાગના લોકો ભોગ બનતા સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
આપણ વાંચો: બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત…
જયપુરના વાટિકા રિંગ રોડ પર એક કાર અચાનક બેકાબૂ થઈ હતી. જેના કારણે સાત લોકોના ભોગ બન્યા હતા. આ કારમાં ત્રણ પુરુષ, બે મહિલાઓ અને બે બાળકો સવાર હતા, જેઓ હરિદ્વારથી પરિવારજનની અસ્થિવિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ તમામ સાત લોકોના મોત થયા હતા.
ઘટનાની જાણ થતા શિવદાસપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા જયપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ અકસ્માતની ઘટનાને લઈ તપાસે હાથ ધરી છે. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલવમાં આવ્યા છે.
મૃતકોમાં રામરાજ વૈષ્ણવ, તેમની પત્ની મધુ, તેમનો પુત્ર રૂદ્ર તેમ જ સંબંધી કાલુરામ, તેમની પત્ની સીમા, તેમનો પુત્ર રોહિત અને ગજરાજનો સમાવેશ થાય છે. આ તમામ ફુલિયાવાસ, કેકડી અને જયપુરના વાટિકા વિસ્તારના રહેવાસી હતા. આ ઘટનાએ પરિવાર અને સ્થાનિક સમુદાયમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે.