આનંદો! તિરૂપતિ મંદિરમાં હવે બે કલાકમાં દર્શન થઇ જશે
અમરાવતીઃ આંધ્ર પ્રદેશના તિરૂમાલા સ્થિત જગપ્રસિદ્ધ તિરૂપતિ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે . આવી સ્થિતિમાં નવી વ્યવસ્થા હેઠળ ભક્તોને માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.
હાલમાં તિરૂપતિ મંદિરમાં દર્શન માટે ભારે ભીડ હોય છે. લોકોને લાઇનમાં 20થી 30 કલાક ઊભા રહેવું પડે છે. મંદિરમાં રોજ એક લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
નાના બાળકો સાથે દર્શન કરવા આવતા લોકોની પરિસ્થિતિ ભારે વિકટ થાય છે, પણ હવે આવી વ્યવસ્થા ભૂતકાળ બનવા જઇ રહી છે. નવી વ્યવસ્થા હેઠળ હવે ભક્તો માત્ર 2 કલાકમાં દર્શન કરી શકશે, જેના કારણે મંદિરમાં આવતા ભક્તોને ઝડપથી અને સુવિધાજનક દર્શનનો અનુભવ થશે.
તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે એવી પણ જાહેરાત કરી છે કે હવે વીઆઇપી ક્વોટા બંધ કરી દેવામાં આવશે. આનાથી વીઆઇપી દર્શનને લઇને થતા વિવાદો પણ અટકી જશે. હવે બધા જ ભક્તો સમાન રીતે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી શકશે.
Also Read – Tirupati બાલાજીમાંથી બિન-હિંદુ કર્મચારીઓને દૂર કરાશે, બોર્ડની બેઠકમાં લેવાયેલા અનેક નિર્ણયો
તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે એમ પણ જણાવ્યું હતું કે અહીંના સ્થાનિકો માટે દર મહિનાના પહેલા મંગળવારે દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. બોર્ડે એમ પણ જણાવ્યું હતું કે હવેથી કોઇ પણ નેતા મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો કરી શકશે નહીં. જો તેઓ આવા નિવેદનો કરશે તો તેમને કાનૂની નોટિસ મોકલવામાં આવશે. મંદિરનું ધાર્મિક વાતાવરણ જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘી જોવા મળ્યું હતું. લાડુ માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી જેવા વાંધાજનક ઘટકો જોવા મળ્યા હતા. આને લઇને ભારે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ પ્રસાદની વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા.