આખી ટ્રેન ઉપરથી પસાર થઇ ગઇ, સમજદારીથી મહિલાનો બચી ગયો જીવ, જુઓ વીડિયો
હૈદરાબાદઃ રેલવે ટ્રેક પર રોજના હજારો અકસ્માત થતા હોય છે અને લોકોના દર્દનાક મૃત્યુ થતા હોય છે, પણ ક્યારેક આંતરિક સૂઝબૂઝ અને સમયસૂચકતાને કારણે કોઇક કોઇક વ્યક્તિના જીવ બચી પણ જતા હોય છે. આવો જ એક વિરલ કિસ્સો તેલંગણામાંથી જાણવા મળ્યો છે. આ કિસ્સાનો વીડિયો પણ વાયરલ થયો છે.
તેલંગણાના વિકારાબાદ જિલ્લાના નવંદગીના એક જંકશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માલગાડીના ડબ્બા મહિલાની ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. મહિલા ટ્રેક પર હાલ્યાચાલ્યા વિના પડી રહી હતી અને આશ્ચર્ચની વાત તો એ છે કે આખી ટ્રેન તેની ઉપરથી પસાર થઇ જવા છતાં મહિલાનો વાળ પણ વાંકો નથી થયો.
મળતી માહિતી મુજબ મહિલા તેની મિત્ર સાથએ પાટા ક્રોસ કરી રહી હતી ત્યારે તેનો પગ લપસી જતા તે ટ્રેક પર પડી ગઇહતી. એ સમયે તેણે ટ્રેનને આવતી જોઇ, તેથી જીવ બચાવવા માટે મહિલા હલનચલન કર્યા વિના પાટા પર પડી રહી હતી. જ્યાં સુધી માલગાડી ઉપરથી પસાર થઇ રહી હતી, ત્યાં સુધી મહિલા કંઇ પણ હલચલ કર્યા વિના પાટા પર ચુપચાપ પડી રહી હતી. થોડા સમય બાદ મહિલાએ માથુ ઊંચુ કરવાનો પ્રયાસ કર્યો , ત્યારે ત્યાં ઊભેલા એક માણસે તેને અમ નહીં કરવાની સલાહ આપી હતી અને મહિલાએ પાછું તેનું માથુ નીચું કરી દીધું હતું.
માલગાડીના રવાના થયા બાદ જ મહિલા પાટા પરથી ઊભી થઇ હતી. તેની મિત્ર પણ થોડે દૂર ઊભી રહીને તેની રાહ જોઇ રહી હતી. સદભાગ્યે આ અકસ્માતમાં મહિલાને સહેજ પણ ખરોંચ આવી નથી.
નોંધનીય છે કે આવા ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં જાણવા મળ્યા છે. રેલવે સત્તાવાળાઓ લોકોને સલામતી માટે ટ્રેક ક્રોસ નહીં કરવાની સૂચના આપતા હોય છે, પણ…. ટ્રેક ક્રોસ કરતી વખતે લોકો અકસ્માતનો ભોગ બને છે.ગયા વર્ષએ પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. એક મહિલા તેના બે બાળક સાથે પ્લેટફોર્મ પરથી ટ્રેક પર પડી હતી અને એ જ સમયે ટ્રેક પર ટ્રેન આવી રહી હતી. મહિલાએ સમયસૂચકતા વાપરી અને તેના બે બાળકો સાથે ટ્રેક પર હાલ્યાચાલ્યા વિના પડી રહી હતી અને ટ્રેન તેની ઉપરથી પસાર થઇ ગઇ હતી. આ ઘટનામાં ત્રણેમાંથી એકેનો વાળ પણ વાંકો નહોતો થયો.