
નવી દિલ્હીઃ તેલંગાણાના નાગરકુરનુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જે બાદ શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સવારે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલ પર બચાવ કામગીરીને મોટો ફટકો પડ્યો હતો. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને ટનલના તૂટી પડેલા ભાગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
બચાવ કામગીરીની વિગતો આપતા એસડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું કે ટનલની અંદર જવાનો કોઈ રસ્તો નથી. છત ધરાશાયી થવાના કારણે અંદરનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે અને ઘૂંટણ સુધી કાદવ પણ ભરાઈ ગયો છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને અન્ય બચાવ ટીમો, સિંગરેની કોલિયરીઝના અધિકારીઓ સાથે, ટનલના તૂટી પડેલા ભાગનું નિરીક્ષણ કરીને પરત ફર્યા હતા.ટનલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે અન્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેલંગાણાના સિંચાઈ પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નિષ્ણાતોની મદદ લઈ રહી છે, જેમાં ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવી જ ઘટનામાં ફસાયેલા મજૂરોને બચાવનારા લોકો પણ સામેલ છે.
શનિવારે સવારે ટનલ બોરિંગ મશીન સાથે પહેલી પાળીમાં 50થી વધુ લોકો ટનલની અંદર ગયા હતા. તેઓ 13.5 કિમી સુધી ટનલની અંદર ગયા હતા, જે દરમિયાન પાણીના તીવ્ર પ્રવાહને કારણે ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. બે ઇજનેરો સહિત છ કામદારો ટનલમાં ફસાયેલા હતા, જ્યારે અન્ય 42 લોકો ટનલના બહારના દરવાજામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. અચાનક પાણી સાથે કાદવ વહેવા લાગ્યો અને ટનલનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હોવાનું કહેવાય છે.
Also read: ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: ફસાયેલા કામદારોની પ્રથમ તસવીરો બહાર આવી, પહેલીવાર મળ્યું ગરમ ભોજન
રાજ્ય સરકાર આ કેસમાં સેના એનડીઆરએફની મદદ પણ લઈ રહી છે. ફસાયેલા લોકોમાં બે ઇજનેર, બે સંચાલક અને અન્ય ચાર મજૂરોનો સમાવેશ થાય છે. તેઓ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટનલમાં ફસાયેલા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એર વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇટીએફ નિષ્ણાત ઇજનેરી ટીમો, આર્મી મેડિકલ કોર્પ્સની ફિલ્ડ એમ્બ્યુલન્સની તબીબી ટુકડી, કેટલીક એમ્બ્યુલન્સ, ત્રણ ઉચ્ચ ક્ષમતાવાળા પમ્પિંગ સેટ અને અન્ય સહાયક ઉપકરણો સ્થળ પર ઉપલબ્ધ છે.