
હૈદરાબાદઃ તૈલંગાણામાં ચૂંટણીની મોસમ અન્ય ચાર રાજ્યની સરખામણીએ થોડી વધુ લાંબી હતી. ઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂરું થઇ ગયું છે.
30 નવેમ્બરના રોજ યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટેનો ભારે ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગ્યે પૂરો થઇ જશે. ચૂંટણી પંચે 9 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટી સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ સત્તામાં પાછા ફરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ સત્તામાં આવવાના પ્રયાસોમાં કોઈ કસર છોડી નથી.
આગામી ચૂંટણીમાં લડી રહેલા ઉમેદવારોમાં BRSના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR), તેમના પુત્ર કેટી રામા રાવ, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ. રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભાથી સાંસદ બંદી સંજયકુમાર, ડીં. અરવિંદ અને સોયમ બાપુરાવ સમેત 2,290 ઉમેદવારો મેદાનમાં છે. કેસીઆર કામરેડ્ડી અને ગજવેલથી પોતાનું નસીબ અજમાવશે, જ્યારે રેવંત રેડ્ડી કોડંગલ અને કામરેડ્ડીથી ચૂંટણી લડશે.
ભાજપે હુઝુરાબાદ ઉપરાંત ગજવેલથી તેના ધારાસભ્ય ઈટાલા રાજેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે, જ્યાંથી તેઓ વર્તમાન વિધાન સભ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન સોમવારે હૈદરાબાદમાં રોડ શો કર્યો હતો અને અનેક જાહેરસભાઓને સંબોધી હતી. મતદાન બાદ મતગણતરી 3 ડિસેમ્બરે જ કરવામાં આવશે.