તેલંગણા ફાર્મા પ્લાન્ટ વિસ્ફોટ: મૃત્યુઆંક 38, હજુ 9 લોકો ગુમ, તપાસ ચાલુ

સંગારેડ્ડીઃ તેલંગણાના પાસુમિલ્લારમમાં સિગાચી ઇન્ડસ્ટ્રીઝના ફાર્મા પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં હજુ પણ નવ લોકો ગુમ છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. આ વિસ્ફોટમાં ૩૮ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૩૫ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી જિલ્લા પોલીસ અધિક્ષક પરિતોષ પંકજે આજે આપી હતી.
આ દરમિયાન વિસ્ફોટનું કારણ જાણવા અને ઘટનક્રમનો ક્રમ સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી નિષ્ણાંત સમિતિ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા હતી.
આપણ વાંચો: તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, છ લોકોના મોત
પેનલ એક મહિનાની અંદર ચોક્કસ સૂચનો અને ભલામણો સાથે વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરશે. આ સમિતિનું નેતૃત્વ સીએસઆઇઆર-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીના નિવૃત વૈજ્ઞાનિક ડો. બી. વેંકટેશ્વર રાવ કરશે.
જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા કેટલાક ઘાયલોને ગુરૂવારે રજા મળવાની હતી. એસપી પંકજે જણાવ્યું કે મૃત્યુઆંક ૩૮ છે. નવ લોકો ગુમ છે. પરંતુ કદાચ આજે કે કાલે જ્યારે અમને એફએસએલ(ફોરેન્સિક સાયન્સ લેબ) તરફથી હાડકાં અને અન્ય વસ્તુઓનો રિપોર્ટ મળશે ત્યારે વસ્તુઓ સ્પષ્ટ થઇ જશે.
તેમણે કહ્યું કે કાટમાળ દૂર કરવાનું ૯૦ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે અને હવે કોઇ મૃતદેહ બહાર આવવાની આશા નથી. સિગાચીએ મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા કરી છે.