કેસીઆરને લીધે દેવામાં ડૂબ્યું તેલંગાણા: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેલંગાણામાં કેસીઆર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે તેલંગાણાના મલ્કાજગિરિમાં યોજાયેલા ભાજપ ઉમેદવાર એન રામચંદ્ર રાવના સન્માનમાં આયોજીત એક સભાને સંબોધિત કરતી વખતે નિવેદન આપ્યું હતું કે તેલંગાણામાં બીઆરએસની સરકારે રાજ્યને દેવામાં ડૂબાડી દીધું છે, અને એ માટે મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ જવાબદાર છે. તેલંગાણાની આગામી 2 થી 3 પેઢીઓ આ દેવું ચૂકવતી રહેશે તેવું સીતારમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તેલંગાણા એક એવું રાજ્ય છે જે દારૂ-પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સતત વિરોધ કરતું આવ્યું છે. જે રાજ્ય પહેલા વધુ આવક નોંધાવતું હતું તેની આવક હવે સતત ઘટવા લાગી છે, રાજ્ય દેવામાં ડૂબી રહ્યું છે અને તેનો શ્રેય સીએમ કેસીઆરને જાય છે. આવનારી 2-3 પેઢીઓ સુધી આપણા બાળકો આ દેવું ચૂકવ્યા કરશે.
કોંગ્રેસના શાસનમાં આપણા સેનાના જવાનોને ફક્ત બુલેટપ્રુફ જેકેટ જ નહિ, અન્ય સુરક્ષાના સાધનોથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. એ પછીના 10 વર્ષોમાં અન્ય કોઇ સાધનોની ખરીદી કરાઇ નહિ.
રાફેલ લડાયક વિમાનોની ખરીદી અંગે સીતારમણે જણાવ્યું હતું કે તે 2 સરકારો વચ્ચે થયેલો એક મોટો કરાર હતો અને તમામ વિમાનોનું વિતરણ પણ કરવામાં આવ્યું. અહીં કોઇ લાંચની આપ-લે થઇ નથી અથવા કોઇ કંપની સાથે સોદાબાજી અમે કરી નથી. આ સાથે જ કેન્દ્રીય નાણાપ્રધાને ભાજપ ઉમેદવાર રામચંદ્ર રાવને મત આપી જીતાડવાની પણ લોકોને અપીલ કરી હતી.