બિહાર ચૂંટણીઃ દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું તેજસ્વી યાદવનું વચન

પટનાઃ જો તેમના પક્ષના વડપણ હેઠળનું ઇન્ડિ (કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધન) બ્લોક બિહારમાં સત્તામાં આવશે તો તેઓ એક નવો કાયદો લાવશે. આ કાયદા અનુસાર રાજ્યના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ ચૂંટણી વચન આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારવાસીઓને આપ્યું હતું.
એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતાં યાદવે જણાવ્યું કે પ્રસ્તાવિત કાયદો નવી સરકારની રચનાના ૨૦ દિવસની અંદર લાવવામાં આવશે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે એનડીએ ૨૦ વર્ષમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહ્યું છે. અમે સત્તામાં આવ્યાના ૨૦ દિવસની અંદર કાયદો લાવીશું અને ૨૦ મહિનામાં તેનો અમલ સુનિશ્ચિત કરવામાં આવશે.
૩૫ વર્ષીય નેતાએ જણાવ્યું કે મેં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું. મારા સત્તાના ટૂંકા કાર્યકાળ દરમિયાન પાંચ લાખ નોકરીઓ પૂરી પાડવામાં આવી હતી. તમે કલ્પના કરી શકો છો કે જો મને પાંચ વર્ષનો કાર્યકાળ મળ્યો હોત તો શું શક્ય બન્યું હોત.
ઇન્ડિ બ્લોકના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉભરેલા યાદવે વારંવાર નીતીશ કુમાર સરકારને ‘કોપીકેટ'(નકલ કરનાર) ગણાવી હતી. તેમણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં લેવામાં આવેલા કેટલાક લોકપ્રિય પગલાં આરજેડી નેતાના અગાઉના ચૂંટણી વચનોથી પ્રેરિત હોવાનું જણાઇ રહ્યું છે.