તેજ પ્રતાપ યાદવનું પરિવાર સાથે સમાધાન થયું? માતા-પિતા સાથેનો ફોટો શેર કરતાં વહેતી થઈ અટકળો

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા તેજ પ્રતાપ યાદવના એક યુવતી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના કારણે વિવાદ સર્જાતા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપને પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. જોકે, ત્યારબાદ તેજ પ્રતાપ યાદવે પોતાની અલગ ચૂંટણી લડી હતી. જોકે, હવે ઘરમાંથી દૂર થયાના ચાર મહિના બાદ હવે તેજ પ્રતાપ યાદવ પોતાના પિતા સાથે જોવા મળ્યા છે.
માતા-પિતાને આમંત્રણ આપવા પહોંચ્યા તેજ પ્રતાપ
બિહારના રાજકારણ અને લાલુ પરિવારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયના વિવાદ અને મનભેદ બાદ, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પોતાના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવના ઘરે પહોંચ્યા છે. જેનું કારણ ‘દહીં-ચૂડા’ની મિજબાની છે. 13 જાન્યુઆરી, 2026ના રોજ તેજ પ્રતાપ યાદવે 10 સર્ક્યુલર રોડ ખાતેના માતા રાબડી દેવી અને પિતા લાલુ યાદવના નિવાસસ્થાને જઈને તેમના આશીર્વાદ લીધા હતા અને ‘ઐતિહાસિક દહીં-ચૂડા ભોજન’ માટે આમંત્રણ આપ્યું હતું.
તેજ પ્રતાપ યાદવે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “આજે મારા પિતાજી આદરણીય શ્રી લાલુ પ્રસાદ યાદવજી, માતાજી આદરણીય શ્રીમતી રાબડી દેવીજી સાથે 10 સર્કુલર રોડ ખાતેના નિવાસસ્થાને પહોંચીને મુલાકાત લઈને આશીર્વાદ મેળવ્યા તથા મારા નાના ભાઈ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી સાથે પણ મુલાકાત કરી અને મકર સંક્રાંતિ પર આયોજીત ‘ઐતિહાસિક દહીં-ચૂડા ભોજન’ના કાર્યક્રમ માટે નિમંત્રણ પત્ર તથા આમંત્રણ આપ્યું. સાથોસાથ આજે મારી વ્હાલી ભત્રીજી કાત્યાયનીને ખોળામાં બેસાડીને રમાડવાની અદભૂત ક્ષણ પણ મળી.”
યાદવ પરિવાર તેજ પ્રતાપને અપનાવશે?
મોટા દીકરાના આમંત્રણને માન આપીને મકરસંક્રાંતિના અવસરે લાલુ પ્રસાદ યાદવના તેજ પ્રતાપ યાદવના નિવાસસ્થાને ‘દહીં-ચૂડા’ની મિજબાની માટે પહોંચ્યા હતા. ‘ઐતિહાસિક દહીં-ચૂડા ભોજન’માં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મામા સાધુ યાદવ અને પ્રભુનાથ યાદવ પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી બાદ પહેલીવાર તેજ પ્રતાપ યાદવે માતા-પિતા અને ભાઈ સાથે મુલાકાત કરતાં બિહારમાં રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. શું હવે યાદવ પરિવાર ફરીથી તેજ પ્રતાપ યાદવને અપવાની લેશે, એવી રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક અણબનાવ બાદ, મકરસંક્રાંતિનો આ તહેવાર યાદવ પરિવાર માટે સંબંધોની નવી શરૂઆત સમાન માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો…રોહિણી આચાર્યના અપમાનથી તેજ પ્રતાપ યાદવ લાલઘૂમ: “પિતા, તમે એક ઈશારો કરો…”



