રાબડી દેવી સાથેની મુલાકાત-તેજપ્રતાપ યાદવ

માતા રાબડી દેવીને મળવા અંગે તેજપ્રતાપ યાદવે કર્યો ખુલાસો, ચૂંટણીને લઈને કરી વાત…
પટના: લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી રાજકારણમાં લાંબા સમયથી સક્રીય રહ્યા છે. તેમના 9 પૈકીના 4 સંતાન પણ તેમના રાજકારણના રસ્તે જ ચાલ્યા છે. તાજેતરમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં તો આ ચાર પૈકીના બે સંતાન આમનેસામને આવી ગયા છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા તેજપ્રતાપ યાદવે જનશક્તિ જનતા દળ નામનો પોતાનો નવો રાજકીય પક્ષ ઊભો કર્યો છે. આ પક્ષ શરૂ કરવાની સાથે તેઓ માતા-પિતાથી પણ અલગ થઈ ગયા છે. જોકે, તાજેતરમાં તેમણે માતા રાબડી દેવીની મુલાકાત લીધી હતી, એવી અટકળો વહેતી થઈ છે. તાજેતરમાં આ અટકળને લઈને તેજપ્રતાપ યાદવને પત્રકારોએ સવાલ પૂછ્યો હતો. આ અટકળને લઈને તેજપ્રતાપ યાદવે મોટી સ્પષ્ટતા કરી હતી.
જ્યારથી મેં ઘર છોડ્યું છે, ત્યારથી…
માતા સાથેની મુલાકાત અંગે તેજપ્રતાપ યાદવને સવાલ પૂંછાયો હતો. પરંતુ તેજપ્રતાપ યાદવે આ વાતને અફવા ગણાવી હતી. શું તમે તમારી માતાને મળ્યા હતા? મીડિયા દ્વારા આ સવાલ પૂછાતા તેજપ્રતાપ યાદવ ભાવુક થઈ ગયા હતા. ભાવુક અવાજે તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતું કે, “કોણ કહ્યું કે, હું માને મળીને આવ્યો છું. આ બધી ખોટી અફવા કોણ ફેલાવે છે. હું માને મળ્યો જ નથી. જ્યારથી મેં ઘર છોડ્યું છે, ત્યારથી હું મા કે પિતાજીને મળ્યો નથી.”
આ પણ વાંચો: સીએમ નીતીશ કુમારના માનસિક સ્વાસ્થ્ય અંગે તેજસ્વી યાદવે સવાલ ખડા કર્યા
વિપક્ષ મારી જીત ઈચ્છે છે
ભાજપે તેજપ્રતાપ યાદવને સારા ગણાવ્યા હતા. આ અંગે તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતું કે, “ખરાબ તો હું છું નહીં. તેથી ખરાબ કામ પણ અમે કરશું નહીં. સારું કામ કરીશું તો લોકો અમને શુભેચ્છાઓ આપશે, અમારી સરાહના કરશે. વિપક્ષ એવું ઈચ્છે છે કે, મારી જીત થાય તો એ સારી વાત છે. હું મહુઆમાં જીતને લઈને નિશ્ચિંત છું”
ઉલ્લેખનીય છે કે, તેજપ્રતાપ યાદવે પોતાના તેજસ્વી યાદવ સાથેના વાયરલ થયેલા વીડિયો અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતું કે, “તે વીડિયો બે-ત્રણ મહિના જૂનો છે.”



