કળયુગમાં આ પણ જોવાનું? વિદ્યાર્થિનીએ ક્લાસરૂમમાં આપ્યો બાળકને જન્મ અને પછી…

ભોપાલઃ મધ્ય પ્રદેશની એક શાળામાંથી ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. અહીં 11માં ધોરણમાં ભણતી એક સગીર વિદ્યાર્થિનીએ સરકારી શાળાના ક્લાસરૂમમાં બાળકને જન્મ આપ્યો હતો અને એનાથી પણ વધુ આંચકાજનક બાબત એ હતી કે બીજા દિવસે સ્મશાનમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલમાં પોલીસ આ બાબતની તપાસમાં વ્યસ્ત છે.
મધ્ય પ્રદેશના સાગરમાં ઘટના બની હતી. રાબેતા મુજબ સ્કૂલ ચાલી રહી હતી, ત્યાં એક વિદ્યાર્થિની શાળામાં પહોંચી ત્યારે પીડાથી કણસતી હતી. તેની હાલત જોઇ શિક્ષકો સમજી ગયા હતા કે આ પ્રસવ પીડા છે. તેમણે વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરી હતી. તેઓ આવે તે પહેલા વિદ્યાર્થિનીએ નવજાત શિશુને જન્મ આપી દીધો હતો. વિદ્યાર્થિનીના પરિવારજનો આવ્યા ત્યારે શિક્ષકોએ માતા અને બાળક બંનેને હૉસ્પિટલ લઇ જવાનું કહી મોકલી આપ્યા હતા. તેઓ હૉસ્પિટલ જવાને બદલે ઘરે જતા રહ્યા હતા અને બીજા દિવસે સ્મશાનમાંથી નવજાત બાળકનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : મધ્ય પ્રદેશના મુરૈનામાં વિસ્ફોટઃ 3 મકાન ધરાશાયી, 4 મહિલાનાં મોત
પોલીસને શંકા છે કે જે અડધો બળેલો મૃતદેહ મળ્યો છે તે સ્કૂલની સગીર વિદ્યાર્થિનીના બાળકનો જ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સગીર વિદ્યાર્થિનીના પરિવારજનો આ મામલે ચૂપકીદી સાધીને બેઠા છે અને કોઇ સવાલના જવાબ આપી નથી રહ્યા. પોલીસનું માનવું છે કે વિદ્યાર્થિની અપરિણીત સગીર માતા હોવાથી ઘરવાળા મામલો દબાવી દેવા માગે છે.