
આજના સમયમાં ફિટ એન્ડ ફાઈન દેખાવા માટે યુવાનો અવનવા પેતરા અજમાવતા હોય છે. ખાસ કરી સોશિયલ મીડિયા પર ફિટનેસ ઈન્ફ્યૂએનસરના વિવિધ ડાયટ ટ્રેન્ડ્સ તરફ યુવાનો આકર્ષાયા છે. પરંતુ શું એક મહિના કે અઠવાડિયામાં શરીરમાં ફેરફાર દેખાવાનો દાવો કરતી આ પદ્ધતી આપાણા શરીર માટે યોગ્ય છે. ઘણી વખત રીલ્સમાં પણ નિષ્ણાંતોની સલાહ લેવાનું કહેવામાં આવતું હોય છે. તેનું ઉદાહરણ તાજેતરની એક દુ:ખદ ઘટનાએ રજૂ કર્યું. તમિલનાડુના કન્યાકુમારીમાં 17 વર્ષના એક કિશોરનું ‘લિક્વિડ ડાયટ’ અપનાવવાને કારણે મોત થયું છે. આ ઘટનાએ ફરી એકવાર બિનજરૂરી અને ડોક્ટરની સલાહ વિના ડાયટ ટ્રેન્ડ્સ અપનાવવાના જોખમો પર ચર્ચા ઉભી કરી છે.
કન્યાકુમારીમાં રહેતા એક 17 વર્ષના કિશોરે સોશિયલ મીડિયા પર જોયેલી માહિતીના આધારે લિક્વિડ ડાયટ શરૂ કર્યું હતું. આ કિશોર પોતાના વજનને લઈને ખૂબ ચિંતિત હતો અને તાજેતરમાં કોલેજમાં દાખલો લીધા બાદ વધુ વજન ઘટાડવા માગતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તે ફક્ત ફળોના રસ અને જ્યુસ પર જીવી રહ્યો હતો, જેના કારણે તેનું વજન ઝડપથી ઘટ્યું. આ ડાયટની અસરથી તેની તબિયત બગડી, અને સારવાર છતાં તેનો જીવ બચાવી શકાયો નહીં. આ ઘટનાએ ડોક્ટરની સલાહ વિના ડાયટ અપનાવવાના જોખમોને ઉજાગર કર્યા છે.
લિક્વિડ ડાયટ શું છે?
લિક્વિડ ડાયટ એટલે શરીરને માત્ર પ્રવાહી ખોરાક જેવા કે જ્યુસ, સ્મૂધી, સૂપ, શેક અથવા મેડિકલ સપ્લીમેન્ટ્સ દ્વારા પોષણ આપવું. આ ડાયટ સામાન્ય રીતે ડોક્ટરની દેખરેખ હેઠળ, સર્જરી પહેલાં અથવા ચોક્કસ આરોગ્ય સ્થિતિઓમાં અપનાવવામાં આવે છે. જોકે, સોશિયલ મીડિયા પર આને વજન ઘટાડવાનો ‘ઝડપી ઉપાય’ તરીકે રજૂ કરવામાં આવે છે, જે ઘણા યુવાનોને આકર્ષે છે. દિલ્હીના જીટીબી હોસ્પિટલના ડોક્ટરો પ્રમાણે આવા ડાયટ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી અને તેના લાંબા ગાળાના ઉપયોગથી શરીરને નુકસાન થઈ શકે છે.
લિક્વિડ ડાયટના જોખમો
નિષ્ણાંતોના મતે લિક્વિડ ડાયટમાં ફાઈબર, પ્રોટીન, હેલ્ધી ફેટ અને જરૂરી વિટામિન્સ-મિનરલ્સની ઉણપ હોય છે, જેના કારણે શરીરને પૂરતું પોષણ મળતું નથી. પ્રોટીનની ઉણપથી સ્નાયુઓ નબળા પડે છે, જ્યારે લાંબા સમય સુધી આ ડાયટ લેવાથી થાક, નબળાઈ અને રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. આ ડાયટ શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સ (સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ)નું સંતુલન બગાડી શકે છે, જેનાથી હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને ચેતાતંત્ર પર અસર થઈ શકે છે. આ ઉપરાંત, બ્લડ પ્રેશર અને બ્લડ શુગરનું સ્તર ઘટવું, હોર્મોનલ અસંતુલન, પાચન સમસ્યાઓ અને માનસિક થાક જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.
લિક્વિડ ડાયટ ફક્ત ડોક્ટરની સલાહ પર અને ચોક્કસ આરોગ્ય પરિસ્થિતિઓમાં જ અપનાવવું જોઈએ, જેમ કે સર્જરી પછી અથવા પેટની સમસ્યાઓમાં. સોશિયલ મીડિયા પરની માહિતી કે ફિટનેસ રીલ્સના આધારે આવા ડાયટ અપનાવવા જોખમી હોઈ શકે છે. ડોક્ટરો પણ યુવાનોને સલાહ આપે છે કે ડાયટ શરૂ કરતા પહેલા પોતાના શરીરની જરૂરિયાતો સમજવી અને ડોક્ટરની મદદ લેવી જરૂરી છે. આ ઘટના એક ચેતવણી છે કે સ્વાસ્થ્ય સાથે બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે.
આ પણ વાંચો…ન ડાયેટ ન જીમ તો પણ જેઠાલાલનું 16 કિલો વજન કઈ રીતે ઉતર્યુઃ જાણો અભિનેતાએ શું કહ્યું