
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આગમન બાદ નોકરીઓ પર મોટો ખતરો ઉભો થયો છે, ખાસ કરીને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં મોટા પાટે કર્મચારીઓની છટણી (Layoff) થઇ રહી છે. એવામાં અગ્રણી કમ્પ્યુટર મેન્યુફેક્ચરર ડેલે (DELL) સેલ્સ વિભાગના મોટા પુનઃસંગઠનની જાહેરાત કરી હતી, એક અહેવાલ મુજબ કંપની 12 હજારથી વધુ કર્મચારીઓને છુટા કરી દીધા છે. ડેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર ફોકસ વધારી કામગીરીને આધુનિક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
કંપનીએ સત્તાવાર રીતે અસરગ્રસ્ત કર્મચારીઓની ચોક્કસ સંખ્યા શેર કરી નથી પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે છટણીને કારણે લગભગ 12,500 કર્મચારીઓને અસર થઇ શકે છે, આ સંખ્યા ડેલના કુલ કર્મચારીઓની સંખ્યાના લગભગ 10% થી વધુ છે.
આ પણ વાંચો : મનુષ્યનું નવું ભવિષ્ય: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ બિલ સ્કેનેલ અને જોન બાયર્ન દ્વારા “ગ્લોબલ સેલ્સ મોર્ડનાઇઝેશન અપડેટ” નામનો મેમો મોકલવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યું છે કે “આપણી સ્થિતિ નબળી થઇ રહી છે. અમે મેનેજમેન્ટના સ્તરોને સુવ્યવસ્થિત કરી રહ્યા છીએ અને ક્યાં રોકાણ કરવું એને પ્રાધાન્ય આપી રહ્યા છીએ.”
ડેલના સેલ્સ ડિવિઝનના ઘણા કર્મચારીઓએ જાણ કરી હતી કે તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા અથવા આવા કર્મચારીએને ઓળખે છે. છટણીની મુખ્યત્વે અસર મેનેજરોને થઈ હતી, તેમના કેટલાક કંપનીમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા હતા.
કેટલાક કર્મચારીઓએ કહ્યું કે, “તે મોટે ભાગે મેનેજર, ડિરેક્ટર અને વી.પી. સહીત માર્કેટિંગ અને કામગીરીને પણ અસર થઇ છે. દરેક મેનેજર પાસે ઓછામાં ઓછા 15 કર્મચારીઓ છે. કેટલાક મેનેજરો કે જેઓ ઘણા સમયથી કંપની સાથે હતા તેમને છુટા કરવામાં આવ્યા. આ બતાવે છે કે તમે આ કામમાં કેટલો પ્રયત્ન કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી.”
ડેલે ફેબ્રુઆરી 2023 થી તેના કર્મચારીઓની સંખ્યા 130,000 થી ઘટાડીને આશરે 120,000 કરી દીધી છે. અહેવાલ મુજબ, એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “દર છ મહિને અમારી છટણી થાય છે. ઉપર જવાની કોઈ તકો નથી. હું નવ મહિનાથી ડેલની બહાર નવી નોકરી શોધી રહ્યો છું. “