Sad news: બિહારમાં શિક્ષક તો મહારાષ્ટ્રમાં કેમેરામેનનું મતદાન દરમિયાન મૃત્યુ
અમદાવાદઃ એક મતદાર તરીકે જો તમને દસ મિનિટ કે અડધી કલાક બૂથ પર લાઈનમાં ઊભું રહેવું ન ગમતું હોય તો વિચારો એ લોકો વિશે જે ચૂંટણી પહેલા અને મતદાનના દિવસે કલાકો સુધી કામ કરતા રહે છે અને ખૂબ જ મોટી અને ગંભીર જવાબદારીઓ નિભાવે છે.
ચૂંટણી પંચ ચૂંટણીના કામકાજમાં શિક્ષકોને પણ કામે લગાડતી હોય છે ત્યારે બિહારમાં આવા જ એક શિક્ષકનું મોત થયું છે. ત્યારે બીજી બાજુ પળેપળની ખબર પહોંચાડતા મીડિયાકર્મીઓ પણ ચૂંટણી સમયે દિવસરાત ફરજ બજાવતા હોય છે. ચૂંટણી સમયના ત્રણેક મહિના આ કર્મીઓને રજાઓ ન મળતી હોવાનું પણ મોટેભાગે બન છે. આ બધા વચ્ચે સૌથી વધારે ભોગ તેમના સ્વાસ્થ્યનો લેવાય છે. ત્યારે આજના ચોથા તબક્કાના મતદાન સમયે પોતાની ફરજ પર બજાવતા જે જણના મૃત્યુના સમાચાર આવ્યા છે.
બિહારના મુંગેર લોકસભાના 210 નંબરના બૂથ પર ફરજ બજાવતા હેડ માસ્ટર ઓમકાર કુમાર પીઠાસીન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને અહીં ચાલુ મતદાને જ સવારમાં તેમનું મૃત્યુ થયું. તેમના સરપંચ પત્ની રાની દેવીએ આક્ષેપ કર્યો છે કે હેડ માસ્ટરની તબિયત સારી રહેતી ન હતી અને ડોક્ટરોએ તેમને આરામની સલાહ આપી હતી. આ અંગે જિલ્લાધિકારીને જાણ કરી હોવા છતાં તેમણે તેમને ચૂંટણીની જવાબદારી સોંપી હતી. આથી તેમના મોત માટે તેમણે ઉપરી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અંબાજોગાઈમાં ચૂંટણી માટેનું કવરેજ કરવા ગયેલા સિનિયર કેમેરામેન વૈભવ કાનગુટકરનું હૃદયરોગના હુમલાથી નિધન થયાની દુઃખદ ઘટના બની છે. પ્રતિકૂળ વાતાવરણ, સખત ગરમી અને કામના અનિશ્ચિત કલાકોને વચ્ચે કામ કરતા મીડિયાકર્મીઓ આરોગ્યનું ધ્યાન રાખી શકતા નથી.
આમ ચૂંટણી દરમિયાન બે જણે જીવ ગુમાવ્યા છે.