નેશનલ

ચા ઉદ્યોગને અન્ન સલામતીનાં ધોરણોના અસરકારક અમલ માટે ટી બોર્ડની હાકલ

કોલકતાઃ સ્થાનિક ચા ઉદ્યોગને લાંબા સમયગાળા માટે ટકાઉપણું પ્રાપ્ત કરવા માટે તાજેતરમાં ટી બોર્ડે ઉદ્યોગને અન્ન સલામતી અથવા તો ખાદ્ય સુરક્ષાનાં ધારાધોરણોનો અસરકારક રીતે અમલ કરવાની હાકલ કરી છે.

ટી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પ્લાન્ટ પ્રોટેક્શન કૉડ (પીપીસી)માં જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા ધોરણોનો અસરકારક અમલ વાવેતરમાં ખાસ કરીને જંતુનાશકોના વપરાશમાં વૈકલ્પિક વ્યૂહો અપનાવીને તબક્કાવાર ધોરણે રસાયણોનો ઓછો ઉપયોગ કરવાની સાથે પર્યાવરણીયમૈત્રી લક્ષી વાવેતર અને સારી કૃષિ પદ્ધતિ અપનાવવાને પ્રોત્સાહન આપવાની સાથે ઉદ્યોગને ટકાઉપણું આપવામાં મદદરૂપ થશે.

એકંદરે ખાદ્ય સુરક્ષા અથવા તો સલામતી માટે મોસમના આરંભમાં જ પાકની સલામતી માટે સંકલિત જીવાત વ્યવસ્થાપનનો મોટાપાયે સ્વીકાર આવશ્યક હોવાનું ટી બોર્ડે જણાવતા ઉમર્યું હતું કે હવે ગ્રાહકો પણ સતત એવા ઉત્પાદનોની માગણી કરી રહ્યા છે જેનાથી પર્યાવરણને પ્રતિકૂળ અસર ન થતી હોય. આથી આવી સ્થિતિમાં છોડની જાળવણીના ફોર્મ્યુલેશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની તાતી આવશ્યકતા હોવાનું ટી બોર્ડે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: ચા ઉદ્યોગમાં બેવડું માળખું સક્ષમ હોવું જોઈએઃ આસામ ચીફ સક્રેટરી

એકંદરે ચાની ખેતીમાં છોડ જાળવણીના ફોર્મ્યુલેશનના ઉપયોગની માર્ગદર્શિકા પ્લાન્ટ પ્રોટેક્શન કૉડના દસ્તાવેજમાં આપવામાં આવી હોવાનું ટી બોર્ડે જણાવતા ઉમેર્યું હતું કે આ કૉડ થકી માત્ર ચા કંપનીઓની સ્પર્ધાત્મકતામાં સુધારો જ નહીં થાય, પરંતુ તેના થકી સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય ધોરણો પણ પ્રાપ્ત થઈ શકશે.

વાસ્તવમાં દેશમાં ચા ઉગાડતા પ્રદેશોની આબોહવાની સ્થિતિ જીવાતો અને જંતુઓને આકર્ષવા માટેની અનુકૂળ હોવાથી મોટા પાકને થનારા સંભવિત નુકસાનને ટાળવા માટે તેનું સંચાલન કરવાની જરૂર હોવાનું ટી બોર્ડે જણાવતાં ઉમેર્યું હતું કે દેશમાં જંતુઓના હુમલાથી ચાના પાકને વર્ષે 15થી 30 ટકા જેટલું નુકસાન થતું હોય છે. જો ચા ઉત્પાદકો છોડ જાળવણી ફોર્મ્યુલેશનનો ઉપયોગ કરે તો ઊપજ તથા પાકની ગુણવત્તા જાળવી રાખી શકાય, એમ બોર્ડે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button