Tata Group ની આ કંપનીએ શેરદીઠ 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું, જાણો રેકોર્ડ ડેટ

મુંબઇ: ભારતની સૌથી મોટી અને ટાટા ગ્રૂપની(Tata Group)આઇટી કંપની TCS એ આજે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. TCS એ શેરબજાર એક્સચેન્જને જણાવ્યું કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 4.99 ટકા વધીને 11,909 કરોડ રૂપિયા થયો છે. જ્યારે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 11,342 કરોડ રૂપિયા હતો.
છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ ચોખ્ખા નફામાં ઘટાડો
જો કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2024) ની તુલનામાં, કંપનીના ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો રૂપિયા 12,040 કરોડ હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં TCSની આવક 7.06 ટકા વધીને રૂપિયા 64,988 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂપિયા 60,698 કરોડ હતી. જ્યારે જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 63,575 કરોડની આવક મેળવી હતી.
આ પણ વાંચો : ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો
શેરધારકો માટે રૂપિયા 10 ના ડિવિડન્ડની જાહેરાત
કંપનીના નાણાકીય પરિણામો જાહેર કરવાની સાથે TCSએ તેના શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ શેરબજાર એક્સચેન્જને જણાવ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે દરેક શેર પર 10 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટે 18 ઓક્ટોબર, 2024ના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બીજા વચગાળાના ડિવિડન્ડના નાણાં શેરધારકોના બેંક ખાતામાં મંગળવાર, 5 નવેમ્બરે ટ્રાન્સફર કરવામાં આવશે.
ગુરુવારે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો
ગુરુવારે TCSના શેરના ભાવમા ઘટાડો જોવા મળ્યો હતો. આજે કંપનીનો શેર રૂપિયા 23.90 ના ઘટાડા સાથે રૂપિયા 4228.40 પર બંધ રહ્યો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન, TCSના શેર રૂપિયા 4293.30ની ઇન્ટ્રા-ડે હાઇ અને રૂપિયા 4200.00ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યા હતા.TCSના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 4585.90 રૂપિયા છે. ટાટા ગ્રુપની આ કંપનીનું વર્તમાન માર્કેટ કેપ રૂપિયા 15,29,872.13 કરોડ છે.