ટાટા ગ્રુપે કરી ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ની જાહેરાત, એર ઇન્ડિયા ફ્લાઈટ ક્રેશના પીડિતોને મળશે મદદ

મુંબઈ: એર ઈન્ડિયાના ફ્લાઈટ નંબર AI 171 ક્રેશ થયાને એક મહિના ઉપર થઈ ચૂક્યુ છે. પરંતુ આ ભયાવહ દુર્ઘટનાના ઘા હજી શરૂ રૂઝાયા નથી. અકસ્માતના પીડિત પરિવારોને સહાયતા માટે ટાટા ગ્રુપે નવા ટ્રસ્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ ટ્રસ્ટનું નામ ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ’ રાખવામાં આવ્યું છે.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે આ ટ્રસ્ટ માટે ₹250-₹250 કરોડનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મુંબઈમાં સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થયેલું આ ટ્રસ્ટ અમદાવાદના વિમાન હાદસામાં મૃત્યુ પામેલા 260 લોકોના આશ્રિતો અને ઘાયલોને મદદ કરશે. ટાટા સન્સના નિવેદન મુજબ, આ ટ્રસ્ટ મૃતકોના પરિવારો, ઘાયલોને અને ઘટનામાં મહત્વ પૂર્ણ યોગદાન આપનારને સહાય આપશે.
ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય આ ઘટના દરમિયાન પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર ડોક્ટર, રાહત કર્મચારીઓ અને સરકારી અધિકારીઓને સહાયતા આપવાનો છે. આ ઉપરાંત મૃતકના પરિવારોને 1 કરોડની રાશિ આપવા સાથે ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવાનો છે. જે બી.જે. મેડિકલ કોલેજના બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું તે હોસ્ટેલના પુનર્નિર્માણમાં પણ આ ટ્રસ્ટ કરશે.
AI-171 ટ્રસ્ટનું સંચાલન પાંચ સભ્યોની બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ કરશે, જેમાં ભૂતપૂર્વ ટાટા અધિકારી એસ. પદ્મનાભન અને ટાટા સન્સના જનરલ કાઉન્સેલ સિદ્ધાર્થ શર્માનો સમાવેશ થાય છે. બાકીના ત્રણ ટ્રસ્ટીઓની નિમણૂક ટૂંક સમયમાં થશે. જરૂરી ટેક્સ રજિસ્ટ્રેશન અને ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ટ્રસ્ટ પૂર્ણ ગંભીરતાથી કાર્યરત થશે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશ: વિદેશી અખબારના દાવા પર વિવાદ, પાઈલટ યુનિયન ભડ્ક્યું