તમિલનાડુમાં કારમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ
પુડુકોટ્ટાઈ: તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લામ (Pudukkottai District)ના નમનસમુદ્રમ પોલીસ સ્ટેશનની હદમાં એક ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી 5 મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. એક અહેવાલ મુજબ આ ઘટના બુધવારે સવારે સ્થાનિકોના જાણમાં આવી હતી, તમામ મૃતકો એક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ લોકો તમિલનાડુના સાલેમના રહેવાસી હતા. પોલીસ ટીમ આ કેસની તપાસ કરી રહી છે, પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં. અહેવાલ મુજબ મણિગંદન નામના વ્યક્તિએ બિઝનેસ માટે લોન લીધી હતી, જે તે ચુકાવી શક્યો ન હતો. નાણાકીય તણાવને કારણે પરેશાન પરિવારે કથિત રીતે સામુહિક આત્મહત્યા કરી હતી, તામામ સભ્યોએ ઝેર પી જીવન ટુંકાવ્યું હતું.
મૃતકોની ઓળખ 50 વર્ષીય મણિગંદન, તેની પત્ની નિત્યા (48), તેની માતા સરોજા (70), પુત્રી નિહારિકા (22) અને પુત્ર ધીરેન (20) તરીકે થઈ છે. આ તમામ લોકો સાલેમ જિલ્લાની સ્ટેટ બેંક કોલોનીના રહેવાસી હતા. સ્થાનિક લોકોએ સવારે 9 વાગ્યે ઇલાનકુડીપટ્ટીમાં એક મઠની સામે કાર પાર્ક કરેલી જોઈ અને પોલીસને જાણ કરી.
પોલીસે તમામ મૃતદેહોને કાર બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે પુડુકોટ્ટાઈની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસ મુજબ આ તમામે ઝેર ખાઈને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જોકે, સામૂહિક આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મણિગંદન મેટલનો બિઝનેસ કરતો હતો. તાજેતરમાં તેણે બિઝનેસ માટે ઘણી લોન લીધી હતી. જો કે, પોલીસ તપાસ કરી રહી છે કે શું તેના પર લોન આપનાર અથવા વ્યવસાયિક ભાગીદારો તરફથી કોઈ દબાણ હતું કે નહીં.
[આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]