તમિલનાડુમાં સતત વરસાદથી કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ઊભા પાકને નુકસાન, જનજીવનને અસર…
ચેન્નઇઃ તામિલનાડુના કાવેરી ડેલ્ટા વિસ્તારમાં રાતભર સતત વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ભારતીય હવામાન વિભાગે આજે ડેલ્ટા ક્ષેત્રના કુડ્ડલોર અને માયલાદુથુરાઇ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે અને અતિશય ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : ચેન્નઈઃ ફેંગલ વાવાઝોડાની તમિલનાડુમાં અસર વચ્ચે એરલાઈન્સે જાહેર કરી માર્ગદર્શિકા
વરસાદને કારણે તિરુવરુર, તિરુથુરાઇપુંડી, મુથુપેટ્ટાઇ, માયલાદુથુરાઇ, વેદારન્યમ અને તેની આસપાસના વિસ્તારો સહિત ઘણા સ્થળોએ પાક આંશિક કે સંપૂર્ણ ડૂબી ગયો હતો. ખેડૂતોના અંદાજ મુજબ ઓછામાં ઓછા ૨૦૦૦ એકરથી વધુ પાકને વરસાદની અસર થઇ હતી.
વરસાદને પગલે આજે તિરુવરુર, કુડ્ડલોર, નાગપટ્ટનમ અને માયલાદુથુરાઇ જિલ્લા સહિત શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. માત્ર ચેન્નાઇ, ચેંગલપેટ, અરિયાલુર, કાંચીપુરમની શાળાઓમાં જ રજા જાહેર કરવામાં આવી છે.
આઇએમડી-પ્રાદેશિક હવામાન કેન્દ્રના આજે સવારના અપડેટ અનુસાર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલું ડીપ ડિપ્રેશન લગભગ ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જે નાગાપટ્ટનમથી લગભગ ૪૭૦ કિમી દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નાઇથી ૬૭૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત છે.
આ ડીપ ડીપ્રેશન આજે ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. પરિણામે કુડ્ડાલોર અને માયલાદુથુરાઇ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને એક બે સ્થળોએ અતિશય ભારે વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો : Delhi Dehradun Expressway ક્યારે ખુલ્લો મુકાશે ? જાણો રુટ અને સુવિધાની વિગતો
ચેન્નાઇ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, અરિયાલુર, તંજાવુર, તિરુવરુર, નાગાપટ્ટનમ અને પુડુક્કોટ્ટાઇ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.