અપ્રમાણસર સંપત્તિના કેસમાં તમિલનાડુના પ્રધાન, પત્ની દોષિત

ચેન્નાઇઃ મદ્રાસ હાઇ કોર્ટે ડીએમકે સરકારને મોટો ફટકો આપતો ચૂકાદો આપ્યો છે. ડીએમકેના મંત્રી પોનમુડીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ સાથે હાઇ કોર્ટે સ્ટાલિન સરકારના મંત્રી પોનમુડીને નિર્દોષ જાહેર કરતા સેશન્સ કોર્ટના નિર્ણયને રદ કર્યો છે.
અગાઉ 28 જૂનના રોજ વેલ્લોર સેશન્સ કોર્ટે પોનમુડી અને તેની પત્નીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં નિર્દોષ જાહેર કરતા કહ્યું હતું કે પ્રોસિક્યુશન પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું હતું, પણ મદ્રાસ હાઇ કોર્ટે હવે પોનમુડી અને તેમની પત્નીને નિર્દોષ જાહેર કરતા સેશન્સ કોર્ટના નિર્ણય રદ કરી નાખ્યો છે અને જણાવ્યું છે કે આ અઠવાડિયાના અંતમાં આ કેસમાં સજાની સુનાવણી કરશે.
પોનમુડી પર 1996 થી 2001 દરમિયાન અગાઉની દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) સરકારમાં રાજ્યના પરિવહન પ્રધાન હતા ત્યારે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં અપ્રમાણસર મિલકતો હસ્તગત કરવાનો આરોપ હતો. ડીએમકેનો ક્ટ્ટર વિરોધી પક્ષ ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆયએડીએમકે) 2002માં સત્તામાં આવ્યા બાદ ડિરેક્ટોરેટ ઑફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (ડીવીએસી) એ તેમની સામે ગુનો નોંધ્યો હતો. DVAC એ દાવો કર્યો હતો કે પોનમુડીએ 1996-2001 દરમિયાન રાજ્ય સરકારમાં મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર સંપત્તિઓ હસ્તગત કરી હતી.