ભ્રષ્ટાચારના કેસમાં તમિલનાડુ સરકારના પ્રધાનને 3 વર્ષની જેલ, 50 લાખનો દંડ
ચેન્નઈ: તમિલનાડુની સત્તારૂઢ પાર્ટી ડીએમકેના નેતાને મદ્રાસ હાઈ કોર્ટે મોટો ફટકો આપ્યો હતો. ગુરુવારે ડીએમકેના નેતા અને તમિલનાડુ સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે. પોનમુડીને મદ્રાસ હાઈ કોર્ટે અપ્રમાણસર સંપત્તિના કેસમાં ત્રણ વર્ષની જેલ અને રૂ. 50 લાખના દંડની સજા ફટકારી છે.
દોષિત ઠર્યા બાદ, પોનમુડી વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા અને તેમનું પ્રધાન પદ ગુમાવ્યું છે. છ મહિના પહેલા વેલ્લોરની કોર્ટે આ કેસમાં તેમને અને તેમની પત્નીને નિર્દોષ જાહેર કર્યા હતા. સ્થાનિક કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પૂરતા પુરાવા નથી. બાદમાં હાઇ કોર્ટે આ મામલે સુઓ મોટો લીધો હતો.
હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન, પોનમુડી અને તેમની પત્ની પી વિશાલાક્ષીએ કોર્ટમાં પોતાનો મેડિકલ રેકોર્ડ રજૂ કર્યો અને દલીલ કરી કે આ મામલો ઘણો જૂનો છે અને હવે તેઓ 73 વર્ષના છે. તેમની પત્ની 60 વર્ષની છે. દંપતીએ લઘુત્તમ સજાની વિનંતી કરી હતી. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો અને કે પોનમુડીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી. કોર્ટે તેને અને તેની પત્ની પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સજા પર 30 દિવસ માટે રોક લગાવવામાં આવી છે અને દોષિતોને સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાની મંજૂરી આપી છે.
ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) એ 2002માં પોનમુડી અને તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તત્કાલીન AIADMK સરકાર 1996-2001 સુધી સત્તામાં હતી. આ બંનેની આવકના સ્ત્રોતો સિવાયની આવક 1.4 કરોડ રૂપિયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તપાસમાં, DVAC એ દાવો કર્યો હતો કે પોનમુડીએ 1996-2001 દરમિયાન રાજ્ય સરકારમાં પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર સંપત્તિઓ હસ્તગત કરી હતી.
અગાઉ 28 જૂનના રોજ, વેલ્લોરની મુખ્ય સેશન્સ કોર્ટે પોનમુડી અને તેની પત્નીને આ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યાર બાદ મદ્રાસ હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો લીધો હતો. હાઈ કોર્ટે આ મામલામાં પ્રધાન અને તેની પત્નીને પહેલા જ દોષિત ઠેરવ્યા હતા અને આજે ગુરુવારે સજા સંભળાવી હતી.