
ચેન્નઈઃ તમિલનાડુના તિરુવલ્લુર રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે ડીઝલ લઇને જતી માલગાડીના ચાર ડબ્બામાં અચાનક આગ લાગી ગઈ હતી, ત્યાર બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, આગ એટલી ભીષણ હતી કે આકાશમાં ઉંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. શરુઆતમાં પાંચ વેગન્સમાં આગ લાગી હતી, જેમાં અઢાર વેગન્સ બળીને ખાખ થયા હતા. 40 વેગન્સને ટ્રેનથી અલગ કરવામાં આવ્યા હતા, જ્યારે રેલવે સ્ટેશનની આસપાસના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ આગનું કારણ જાણી શકાયું નહોતું, પરંતુ આગને કારણે ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી.
રેલવે કર્મચારીઓને કોચ અલગ કરવામાં પ્રવાસીઓએ મદદ કરી
આગ લાગ્યા પછી રેલવે સ્ટેશન પરના ઓવરહેડ વાયરમાં પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. આગ લાગ્યા પછી ડીઝલ ભરેલા વેગન્સને અલગ અલગ કરવામાં રેલવે કર્મચારીઓને પ્રવાસીઓએ પણ મદદ કરી હતી. દક્ષિણ રેલવેના જનરલ મેનેજર આર.એન. સિંહે તિરુવલ્લૂર નજીક માલગાડીમાં લાગેલી ભીષણ આગ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, જે રાહતની વાત છે.
આ પણ વાંચો: તુણા ઓટીબી પાસે હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ: આગ લાગ્યા બાદ જહાજ એક તરફ નમી ગયું…
18 વેગન્સ બળીને ખાખઃ આગ પછી ટ્રેન પાટા પરથી ઉતરી
તેમણે કહ્યું હતું કે અમે ટ્રેનોનું સંચાલન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આગ ત્રીજી બોગીથી શરૂ થઈ અને 20મી બોગીમાં ફેલાઈ ગઈ હતી. કુલ 18 બોગી બળીને રાખ થઈ ગઈ છે અને જે બોગીમાં આગ લાગી હતી તે પાટા પરથી ઉતરી ગઈ છે.
અનેક ટ્રેનસેવા પર અસર થવાથી પ્રવાસીઓ ફસાયા
દક્ષિણ રેલવેએ જણાવ્યું હતું કે, માલગાડીમાં આગ લાગી હોવાના કારણે ચેન્નઈ-અરક્કોનમ રૂટ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જોકે, અનેક મુસાફરો ફસાયા હતા અને રાજ્ય પરિવહન નિગમે મુસાફરી કરતી જનતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક વિશેષ બસો દોડાવી હતી. માલગાડી ચેન્નઈ હાર્બરથી વાલાજાહ રોડ સાઇડિંગ (વલાજાબાદ) જઈ રહી હતી.
આ પણ વાંચો: સ્પેનના એરપોર્ટ પર ફાયર એલાર્મ વાગતા જ મુસાફરો વિમાનમાંથી કૂદવા લાગ્યા, 18 ઘાયલ, જુઓ વીડિયો…
ટ્રેનસેવા પર અસર થવાથી 170 બસ દોડાવાઈ હતી
રાજ્ય મંત્રી (લઘુમતી અને બિન-નિવાસી તમિલ કલ્યાણ) એસ.એમ. નાસરે અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું અને આગ અને ધુમાડાને ધ્યાનમાં રાખીને આગ દુર્ઘટના સ્થળની નજીક રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ્ય પરિવહન નિગમો દ્વારા ટ્રેન સેવાઓને અસર થતાં 170થી વધુ ખાસ બસો દોડાવી હતી.
ટ્રેન રોકાઈ ત્યાં સુધીમાં આગ 19મા વેગન સુધી ફેલાઈ હતી
રેલવેએ જણાવ્યું હતું કે”ત્રીજા વેગનમાં આગ લાગવાની જાણ થતાં લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી અને તિરુવલ્લૂરના સ્ટેશન માસ્ટરે સાવચેતીના પગલા તરીકે ઓવરહેડ પાવર સપ્લાય બંધ કરી દીધો હતો. વધુમાં રેલવેએ જણાવ્યું હતું કે જોકે, ટ્રેન રોકાઈ ત્યાં સુધીમાં આગ 19મા વેગન સુધી ફેલાઈ ગઈ હતી.
ચેન્નઈ, બેંગલુરુ, કેરળ સહિત અન્ય રાજ્યને ટ્રેનસેવા પર અસર
પરિણામે ચેન્નઈને બેંગલુરુ, કેરળ અને રેણુગુન્ટા/તિરુપતિ સાથે જોડતા મહત્વપૂર્ણ ચેન્નઈ-અરકોણમ વિભાગમાં ટ્રેન સેવાઓ રોકવી પડી હતી. ચેન્નઈ સેન્ટ્રલથી ઉપડતી અને ચેન્નઇ પહોંચતી અનેક મેલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ઘણી અન્ય ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા અધવચ્ચે રોકવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.