કાળજુ કંપાવનારો અકસ્માતઃ તમિલનાડુમાં ટ્રેન સાથે સ્કૂલ બસ ટકરાઈ, બે વિદ્યાર્થીનાં મોત…

કુડ્ડલોર: દેશમાં મોટા ભાગના રેલવે અકસ્માતમાં બેદરકારીના કારણે થતા હોય છે, જે પૈકી આજે તમિલનાડુમાં રેલવે ક્રોસિંગમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના એક રેલવે ક્રોસિંગ પર સ્કૂલ બસનો ટ્રેન સાથે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ નિપજ્યાં છે.
સ્કૂલ બસ ટ્રેન સાથે કેવી રીતે અથડાઈ?
આજે સવારે લગભગ 7:45 વાગ્યે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસે કુડ્ડલોર અને અલાપ્પક્કમ વચ્ચેના સેમ્બંકુપ્પમ રેલ્વે ક્રોસિંગ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સ્કૂલ બસ 56813 વિલ્લુપુરમ-મયીલાદુથુરાઈ પેસેન્જર ટ્રેન સાથે અથડાઈ હતી. ટ્રેન સાથેની ટક્કરના કારણે સ્કૂલ બસ રેલ્વે ક્રોસિંગથી થોડે દૂર જઈને પડી હતી. હૈયુકંપાવી એવા આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનો મોત થયા હતા તથા બસ ડ્રાઈવર અને ઓછામાં ઓછા છ અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેઓની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ટ્રેને ટક્કર મારતા સ્કૂલ બસ ફંગોળાઈ
કુડ્ડલોરના એસપી જયકુમારના જણાવ્યાનુસાર સ્કૂલ બસનો ડ્રાઈવર રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે જોઈ શક્યો નહીં કે ટ્રેન આવી રહી છે. જેથી અચાનક ટ્રેન સાથે ટક્કર થતા સ્કૂલ બસ દૂર ફંગોળાઈને ક્ષતિગ્રસ્ત થઈ હતી. અકસ્માતમાં બે વિદ્યાર્થીના મોત થયા છે, બે વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઈવર ઘાયલ થયા છે. રેલવે પોલીસ, રેલ્વે અધિકારીઓ અને રાજ્ય પોલીસ આ અકસ્માતની વધુ તપાસ કરી રહી છે.
ટ્રેન આવી ત્યારી ફાટક ખુલ્લી હતી
સ્કૂલ બસ અને ટ્રેનના આ અકસ્માતને જોનાર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, “ટ્રેન આવી ત્યારે ફાટક ખુલ્લી હતી.” જોકે, અકસ્માતના સમયે રેલવે ક્રોસિંગ ખાતે જવાબદાર રેલવે કર્મચારીઓ હાજર હતા કે નહીં તે સ્પષ્ટ થયું નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રાઈવરને ક્રોસિંગની મંજૂરી આપવી નહોતી
રેલવે દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જ્યારે ગેટકીપર રેલવે ફાટક બંધ કરવા જઈ રહ્યો હતો, ત્યારે સ્કૂલ બસના ડ્રાઇવરે પોતાના વાહનને ફાટક પાર કરવા દેવાનો આગ્રહ કર્યો હતો. જોકે, આ મંજૂરી આપવી જોઈતી નહોતી. જોકે, આ કથિત બેદરકારીના કારણે લોકોએ ગેટકીપર પર હુમલો કર્યો હતો. જેને પોલીસે બચાવી લીધી હતો. રેલવેના અધિકારીઓની એક સમિતિ આ ઘટનાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સેમ્બંકુપ્પમ રેલવે ક્રોસિંગ પાસે થયેલા આ અકસ્માતે સલામતીના નિયમો અને માનવીય ભૂલ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અકસ્માત બાદ સેમ્બંકુપ્પમ રેલવે ક્રોસિંગ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે.