નેશનલ

તાલિબાનના પ્રથમ રાજદૂત દિલ્હી પહોંચ્યા: નૂર અહમદ નૂર કોણ છે? જે ખોલશે ભારત-અફઘાનના નવા દ્વાર….

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે નવી દિલ્હીમાં આવેલા અફઘાન દૂતાવાસમાં નૂર અહમદ નૂરને પોતાના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે. 2021માં તાલિબાનના સત્તાધિકાર પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અફઘાન દૂતે ઔપચારિક રીતે ભારતમાં કાર્યભાર સંભાળ્યો છે. સૂત્રો અનુસાર, નૂર અહમદ નૂર દિલ્હી પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં તેમની જવાબદારીઓ સંભાળશે. આ મુદ્દો પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નૂર અહમદ નૂર ભારત-અફઘાનના સંબંધો મજબૂત કરશે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, નૂર અહમદ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયમાં પ્રથમ રાજકીય વિભાગના ડિરેક્ટર જનરલ તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તકીના દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકર સાથેની બેઠકોમાં ભાગ લેવા પણ આવ્યા હતા. ઓક્ટોબર 2025માં મુત્તકીના ભારત પ્રવાસ દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દૂતાવાસી અધિકારીઓની નિમણૂક પર સમજૂતી થઈ હતી. જેની હવે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે.

ભારતે તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા નથી આવી

એક વાત નોંધવાની રહેશે કે, ભારત સરકાર દ્વારા હજી તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા આપવામાં નથી આવી, પરંતુ હા ભારતે માનવતા દેખાડીને દવાઓ અને આરોગ્યની સેવાઓ અફઘાનિસ્તાનને પહોંચાડી હતી. 2022માં ભારતે કાબુલમાં પોતાનું ટેક્નિકલ મિશન ફરી શરૂ કર્યું હતું. આ નિમણૂક પાકિસ્તાન સાથે તાલિબાનના તણાવ વચ્ચે ભારત સાથે નવો અધ્યાય ખોલવાની અફઘાનિસ્તાનની ઇચ્છા હોઈ શકે છે. ભારતે જે રીતે મદદ કરી છે તેને જોતા એવું લાગી રહ્યું છે.

નૂર અહેમદ નૂરની નિમણૂક બંને દેશો વચ્ચે ભવિષ્યના રાજદ્વારી સંબંધો માટે નવી દિશા નક્કી કરી શકે છે. આ પગલાથી બંને પક્ષો વચ્ચે વાતચીતના દરવાજા વધુ ખુલશે તેવી અપેક્ષા છે. પરંતુ એ વાત પણ યાદ રાખવી પડશે કે, નૂર અહેમદ નૂરે ડિસેમ્બર 2025માં બાંગ્લાદેશની મુલાકાત પણ લીધી હતી. જેથી ભારતે દરેક દીશાનો વિચાર કરીને આગળ વધવાનું રહેશે. કેટલાક દેશો છે જેણે તાલિબાન સરકારને મંજૂરી આપી છે, પણ હવે ભારત શું નિર્ણય લેશે તેને સમય આવે જાણવા મળશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button